કાર્યવાહી@અમદાવાદ: પ્રેમ લગ્ન બાદ યુવકની માતાને સળગાવવાનો પ્રયાસ, 2 ઈસમ ઝડપાયા

 
Amraivadi Police Station

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં યુવકની માતાને સળગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્ય એક ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં મહિલાને સળગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે યુવકની 45 વર્ષીય માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દીકરાની પત્નીના પરીવારજનો, જેમાં રાહુલ ચૌહાણ, વિનોદ ચૌહાણ અને મનીષ ચૌહાણ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કિસ્સામાં ફરિયાદી મહિલા કે જેમના દીકરાએ તેમના જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ૨૪મી જાન્યુઆરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ ફરિયાદીના ઘરે આવી ધમકી આપી હતી. માત્ર ધમકી જ નહિ પરંતુ ત્રણ યુવકોએ આવીને મારામારી કરી ગાળો બોલી ફરિયાદી મહિલા પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફરિયાદી મહિલા દાઝતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ હાલ સારવાર લઇ રહ્યા છે અને તેમની તબિયત સ્થિર છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જે મામલે ત્રણ આરોપી પૈકી બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.