બ્રેકિંગ@ગુજરાત: પ્રદીપસિંહ વાઘેલા બાદ વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામુ, ભાજપમાં ખળભળાટ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત ભાજપમાં અચાનક રાજીનામાંનો દોર શરૂ થયો છે. પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું અને હવે વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ સુનિલ સોલંકીએ રાજીનામું ધરી દેતાં અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે
ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપ્યું છે. તેઓ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. આ સાથે તેઓ કમલમ કાર્યાલયનો કારભાર સંભાળતા હતા. એવી સતત ચર્ચા રહેતી હતી કે પ્રદીપસિંહ કમલમમાં બેસીને ઘણા વહીવટો કરતા હતા. જોકે હવે પ્રદીપસિંહના રાજીનામાં બાદ સંગઠનની તમામ જવાબદારી ઉત્તર ઝોનના રજની પટેલને સોંપી દેવામાં આવી છે.
આ તરફ વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. સુનિલ સોલંકી વડોદરા શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની નજીક મનાતા હતા. જોકે હવે એક જ દિવસે એક પ્રદેશ મહામંત્રી અને એક શહેર મહામંત્રીના રાજીનામાંથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.