અપડેટ@રાધનપુર: અકસ્માતમાં 7 લોકોના મોત બાદ CMએ સહાય જાહેર કરી, ફરાર જીપ ચાલક ઝડપાયો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જીલ્લાના છેવાડાના ગામ રાધનપુર-વારાહી હાઈવે રોડ પર અચાનક જીપનું ટાયર ફાટતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. આ તરફ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને અકસ્માતમાં મૃત્યું પામેલ લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને અકસ્માતમાં મૃત્યું પામેલ લોકોનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000 ની સહાય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. તેમ ટ્વીટ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગતરોજ રાધનપુરના મોટી પીપળી નજીક થયેલ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 16, 2023
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ગઈકાલે અકસ્માતની ઘટના બાદ મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાધનપુરના મોટી પીપળી પાસે બનેલી અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ તરફ રાધનપુરના મોટીપીપળી ગામ નજીક ઓવરલોડ મુસાફરો ભરેલી પૂરઝડપે જઈ રહેલી જીપનું ટાયર ફાટતાં પડલી ટ્રકમાં ઘુસી જતાં સાત લોકોના મોત થયાં હતાં અને 11 મુસાફર ઘાયલ થયાં હતાં. આ અકસ્માત મામલે ઘાયલ મુસાફરે જીપ અને ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર જીપચાલકને ઝડપી લેવાયો હતો. બીજી તરફ પોલીસ હરકતમાં આવી 2 પેસેન્જર ગાડીઓ ડિટેઇન કરી હતી અને 10 જેટલી ગાડીઓને દંડ ફટકાર્યો હતો.