રીપોર્ટ@બારીયા: આ ગામમાં મનરેગાના કરોડોના કામોની યાદી ઓનલાઇન જોયા પછી ગ્રાઉન્ડ તપાસની વારંવાર બૂમરાણ કેમ?

 
Bariya

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દેવગઢબારિયા તાલુકાના અનેક ગામોમાં મનરેગાના ઢગલાબંધ કામો છે તો કેટલાક ગામોમાં સામાન્ય સંખ્યામાં કામો છે. જોકે જે ગામમાં કોઈ એક જ નાણાંકીય વર્ષમાં કરોડોના અને વારંવાર આવા કામો થયા જોઈ પ્રથમ દ્રષ્ટિએ ચોંકાવનારી પરિસ્થિતિ બની હતી. આ પૈકીના એક ગામમાં ઓનલાઇન યાદી મુજબના કામો સામે જમીની હકીકતમાં શંકા બનતાં તપાસની બૂમરાણ મચી હતી. જેમાં અગાઉ એક સ્થાનિકે બે ચાર કામોની તપાસ માટે કરેલી રજૂઆત સામે જિલ્લાકક્ષાએથી તપાસ થઇ પરંતુ આ પછી પણ તપાસના મૂળ સુધી જવાની બૂમરાણ ગામમાં ઓછી થતી નથી. હકીકતમાં આ ગામમાં છેલ્લા ચાર વર્ષમાં મનરેગાના સૌથી વધુ મટીરીયલ કામો થયા છે અને આંકડો કરોડોમાં છે ત્યારે તપાસની બૂમરાણ સમજવી પડે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના બે-ત્રણ તાલુકા એવા છે કે જ્યાં મનરેગાની બેસુમાર ગ્રાન્ટનો ધોધ વહે છે. વ્યક્તિગત અને સામૂહિક કામો ખૂબ મોટી સંખ્યામાં થતાં હોવાનો કાગળો અને બીલો આધારે કરોડો અબજોની ગ્રાન્ટ પહોંચે છે. જેમાં દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં વર્ષ 2019-20થી માંડી 2022-23 દરમ્યાન મનરેગા હેઠળ થોકબંધ કામો થયા હોવાનું ઓનલાઇન યાદીમાં છે. 31 સ્ટોનબંધ, 10 ચેકડેમ, 22 રોડ, 18 ગૃપ કૂવા અને 196 કેટલ સેડ સહિત મોટી સંખ્યામાં છૂટક અન્ય કામો સામે કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ છે. હવે જંબુસર ગામની વિગતોમાં ઓનલાઇન જોવા મળતાં કામો સામે ગામમાં હકીકત અલગ હોવાની બૂમરાણ મચી જવા પામી છે. અગાઉ એકાદ બે કિસ્સામાં રજૂઆત અને તપાસ કરી મામલો શાંત પડી ગયો પરંતુ આજેપણ કામોની ખરાઇનો જ્વાળામુખી શાંત પડ્યો નથી. જંબુસર ગામનો સવાલ હોવાથી સરપંચને પૂછતાં જણાવ્યું કે, બધા જ કામો ગામમાં થયેલા છે અને તપાસમાં પણ બરાબર આવ્યું હતુ. જોકે ગામમાં શેરી, મહોલ્લા, ફળિયાની સંખ્યા સામે મનરેગા અને નાણાંપંચના રોડ ખૂબ વધી જાય છે. આગળ વાંચો ચોંકાવનારા સવાલો કેમ..

સૂત્રોએ જણાવ્યું હતું કે, જંબુસર ગામમાં મનરેગાના કરોડોના કામોમાં કંઇક તો શંકાસ્પદ છે, કેમ કે, લાગતી વળગતી ટોળકીએ છેલ્લા 4 વર્ષમાં માત્ર મટીરીયલ કામો ઉપર જોર લગાવી થાય તેટલા કામોની ફાઇલ આધારે ગ્રાન્ટ ખેંચી છે. ગામમાં થતી ચર્ચા અને દાવા મુજબ જો, છેલ્લા 4 વર્ષમાં થયેલા મનરેગાના અને નાણાંપંચના કામોની અલગ અલગ ખરાઇ થાય તો કૌભાંડ લાખોમાં નહિ પરંતુ કરોડોમાં મળી શકે તેમ છે. આટલુ જ નહિ, નિષ્પક્ષ તપાસથી સાગરીતો પાસેથી સરકારને મોટા પ્રમાણમાં રિકવરી પણ મળી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. સૌથી મોટી વાત એ પણ છે કે, જંબુસર ગામમાં વર્ષોથી એકચક્રી દબદબો હોવાથી અને મનરેગાના કરારી તેમજ એજન્સી વચ્ચે સુમધુર તાલમેલ હોવાથી કરોડોના કામોની ફાઇલ પૂરપાટ ઝડપે પાર પડી અને ધારી ગ્રાન્ટ મેળવવા પણ સફળ થયા હતા. આગામી ન્યૂઝ રિપોર્ટમાં જંબુસરમાં કૌભાંડનો સર કોણ તેનો અહેવાલ જાણીશું.

કેવું છે કૌભાંડનુ બિહામણું ચિત્ર 

છેલ્લા ચાર વર્ષમાં તમે મનરેગાના ઓનલાઇન દેખાતાં કામો જુઓ અને સામે ગામમાં કામો જુઓ તો અનેક કામો સ્થળ ઉપર ખરાઇના સવાલ હેઠળ જ્યારે અનેક કામો એવા છે જેમાં જોગવાઈ મુજબ કામ જ નથી. એટલે કે બંને રીતે કૌભાંડ આચરીને સાગરીતોની ટોળકીએ મનરેગા હેઠળ મહાકાંડ કર્યો છે.