વિડિયો@સિદ્ધપુર: દારૂ ભરેલી કારને અકસ્માત થતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી, 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત

 
Sidhdhpur

અટલ સમાચાર,પાટણ 

પાટણના સિદ્ધપુર પાસે આજે એક દારૂ ભરેલી કારને અકસ્માત નડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વિગતો મુજબ કારને અકસ્માત નડ્યા બાદ સ્થાનિકોએ દારૂ અને બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. વાયરલ થયેલા વિડીયોમાં લોકો પેન્ટના ખિસ્સામાં અને હાથમાં જેટલી બોટલો અને બિયરના ટીન આવ્યા તે લઈ ભાગતા હોવાનું દેખાઈ રહ્યું છે. 


પાટણ જિલ્લાના સિદ્ધપુર રોડ પરઆજે સ્કોડા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હોવાથી સ્થાનિકોએ દારૂ-બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દારૂ અને બિયર લેવા માટે જાણે લોકો વચ્ચે હરીફાઈ હોય તેવો વિડીયો વાયરલ થયો છે.  

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ તરફ પોલીસ પહોંચે તે પહેલા જ કારમાં રહેલો દારૂનો જથ્થો લોકો ઉઠાવી ગયા હતા. મહત્વનું છે કે, સ્કોડા કાર અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં ઈકો કારમાં સવાર 4લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધવા અને દારૂ ભરેલી કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.