હડકંપ@ગુજરાત: ડમીકાંડ બાદ હવે નકલી માર્કશીટનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ડમીકાંડ બાદ હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડા પોલીસે નકલી માર્કશીટનું રેકેટ ઝડપી પાડતાં ખળભળાટ મચ્યો છે. ખાસ કરીને, નકલી માર્કશીટ કૌભાંડના તાર યુપી સુધી જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. કૌભાંડમાં ઉત્તરપ્રદેશના આરોપીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
ખેડા પોલીસે નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ કરતાં ઠાસરાના નેસ ગામમાંથી કિરણ ચાવડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જે SSC, HSC, BA, B.Comની નકલી માર્કશીટ બનાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી પાસેથી 60 નકલી માર્કશીટ મળી આવી હતી. જેને જપ્ત કરી વધુ તપાસ આદરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડા LCB પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SSC, HSC, B.A., B.com. સહિત સરકારી શૈક્ષણિક સંસ્થાની નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ઠાસરાના નેસ ગામના વ્યક્તિને દબોચી લેતાં સમગ્ર નકલી માર્કશીટનો મામલો ખુલ્લો પડ્યો છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ ચલાવી પ્રાથમિક તપાસમાં આવા SSC, HSC સહિત સરકારી શૈક્ષણિક સંસ્થાની કુલ 60 માર્કશીટો કબ્જે કરી છે. પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓ વેપલો કરતાં હોવાનું પોલીસનું અનુમાન છે. કડક પૂછપરછમાં કિરણ ચાવડા ભાંગી પડ્યો હતો અને આ માર્કશીટો નકલી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે આણંદના થામણાના શખ્સ અને ઉત્તરપ્રદેશના શખ્સની સંડોવણી બહાર આવી છે. સાથે જ પરદેશ તેમજ અન્ય આર્થિક લાભ માટે આ રીતના કાવતરાને અંજામ અપાતો હોવાનું ખુલ્યું છે.