મેઘકહેર@બનાસકાંઠા: ત્રણ દિવસ વરસાદ બાદ હવે ખેડૂતોના પાકને ભારે નુકસાન, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર પાક ઉપર વરસાદ પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ફરી વરસાદે નુકસાન પહોંચાડતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ પડેલા ધોધમાર વરસાદે જિલ્લાના સરહદી પંથકના ખેડૂતોને ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ કરી દેતા ખેડૂતોને રાતપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને અથાગ મહેનત કરીને મહામુલો પાક તૈયાર કર્યો હતો અને બાજરીનો પાક સરસ થતા તેને લણીને ખેતરમાં મુક્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોધમાર વરસાદ આવતા ખેડૂતોનો તમામ પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો વાવમાં 36 મિમી, થરાદમાં 09 મિમી, ધાનેરામાં 07 મિમી, વડગામમાં 05 મિમી, પાલનપુરમાં 05 મિમી, ડીસામાં 19 મિમી, દિયોદરમાં 14 મિમી, ભાભરમાં 11 મિમી, કાંકરેજમાં 03 મિમી અને લાખણી 03 મિમી વરસાદ નોંધાયો છે.