ઘટસ્ફોટ@સુરત: એક જ પરિવારના 7 સભ્યોના આપઘાત બાદ સામે આવી સ્યૂસાઈડ નોટ, વાંચીને રડી પડશો
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું.બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જે સુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મનીષ કનુભાઈ સોલંકીએ દોઢ પાનાની સુસાઈટ નોટમાં લખ્યું છે કે, “પરોપકાર, ભલમંતશાહી, દયાળુ અને સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતા નથી. ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી. રિટાબેન તારું ધ્યાન રાખજે, ઘનશ્યામ, જિન્નાભાઈ અને બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમારી જાતિના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી ,જેને કુદરત જરૂરથી પરચો આપશે. તે કદી સુખી નહિ થશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. કુદરત જાણે છે બંધુ, જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ.”
બનાવની વિગત મુજબ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-ટુ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ ફ્લેટમાં રહેતા મનીષ કનુભાઈ સોલંકી વ્યવસાય પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલા હતા. મનીષભાઈ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પરિવારના તમામ સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા બિલ્ડીંગના લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં રાંદેર અડાજણ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થળ પર તપાસ કરતા મનીષભાઈ સોલંકી પંખા સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે પત્ની રીટાબેન, માતા શોભનાબેન, પિતા કનુભાઈ અને સંતાનમાં દિશા, કાવ્યા અને કુશલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમનું ઝેરી દવા ગટગટાવાના કારણે મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે મનીષ સોલંકીએ પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મનીષભાઈએ પહેલાં તો પરિવારના તમામ સભ્યોને ઝેરી દવા પીવડાવી ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. વધુમાં પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જે સુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ કોઈ વ્યક્તિગત રીતે નામ નો કોઈ ઉલ્લેખ કરાયો નથી. બીજી તરફ પોલીસે તમામ ના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં એફએસએલની મદદથી વધુ તપાસ હાલ પોલીસે હાથ ધરી હતી. મનિષભાઈ સોલંકી પરિવારે કરેલા સામૂહિક આપઘાત સ્થળેથી મળેલી સ્યૂસાઈડ નોટ મુજબ કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ તપાસમાં સંપૂર્ણ તથ્ય બહાર આવશે. ઘટના બાદ તમામ મૃતદેહોને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં બનેલી ઘટના ને લઇ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પણ સ્થળ મુલાકાત લઈ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે મૃતકના પરિવારને મળી સાત્વના પાઠવી અને સંવેદના વ્યક્ત કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આજરોજ સવારે પોલીસને આ દુઃખદ ઘટનાની જાણ થઈ હતી. મૃતક મનીષભાઈ સોલંકી કોન્ટ્રાક્ટ ઉપર ફર્નિચરનું કામ કરતા હતા. જેણે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જ્યારે પોતાની પત્ની માતા-પિતા અને ત્રણ માસુમ સંતાનોના ડીવાઇન ફાઈવ-100 નામની બોટલમાં રહેલા ઝેરી પ્રવાહી પીવાના કારણે મોત થયા છે. જે બોટલને પણ એફએસએલમાં મોકલવામાં આવશે. સામૂહિક આપઘાતની આ ઘટનાને અમે સંપૂર્ણ ગંભીરતાથી લીધી છે. હાલ આ બનાવ અંગે એ.ડી.દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસની તમામ ટીમો કામે લાગી છે. જે કોઈપણ કારણ હશે તેને શોધી લેવામાં આવશે. ઘટનામાં તમામ પાસાઓ ચકાસવામાં આવશે. કોઈપણ પાસાઓ બાકાત નહિ રાખવામાં આવે.
વધુમાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, મનીષભાઈ ના મૃતદેહ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ અંગે પણ તપાસ કરવામાં આવી છે. જે સુસાઇડ નોટમાં મનીષભાઈએ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, પોતે દરેક વ્યક્તિ જોડે સારો વ્યવહાર કર્યો છે પરંતુ પોતાની સાથે કોઈપણ વ્યક્તિએ યોગ્ય વ્યવહાર કર્યો નથી. જે આઘાત લાગવાના કારણે હું આ પગલું ભરૂ છું. મનીષભાઈએ ચોક્કસ કોઈ કારણ આઘાતનું સુસાઇડ નોટમાં જણાવ્યું નથી. મનીષભાઈએ સ્યૂસાઈડ નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જીવતા જીવ મેં કોઈને હેરાન કર્યો નથી અને મર્યા પછી પણ હું કોઈને હેરાન કરવા માંગતો નથી. જોકે પોલીસ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. તમામના મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એફએસએલની ટીમે પણ સ્થળ મુલાકાત લઈ તમામ પુરાવાઓ એકત્ર કરી લીધા છે.