રિપોર્ટ@સર્વશિક્ષા: ઈજનેરોની ભરતીમાં વારંવાર વયમર્યાદા બદલી, કોઈ ટાર્ગેટથી થઈ રહી ભરતી? સ્પેશિયલ રિપોર્ટ

 
Atal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

Atal

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓના વિવિધ બાંધકામમાં એસએસએને અવારનવાર ઈજનેરોની જરૂરિયાત ઉભી થાય છે. જેમાં થતી ભરતી પ્રક્રિયાના ચોક્કસ વિષયથી અત્યારે સર્વ શિક્ષા આલમમાં ચકચાર મચાવી છે. ભરતીના સંચાલકો એક તો ખૂબ લાંબા સમયગાળે ભરતી કરે અને એમાં પણ વયમર્યાદા બાબતે વારંવાર ફેરફાર કરી રહ્યા ત્યારે શું દરેક વખતની ભરતીમાં વયમર્યાદા બદલાતી હોય? આ સવાલે ચકચાર અને આક્ષેપોને જન્મ આપ્યો છે. શું કોઈ ચોક્કસ ટાર્ગેટથી કે આશયથી વયમર્યાદા બદલી છે ? આ સવાલો પણ ગણગણાટ અને સળવળાટ ઉભો‌ કરી રહ્યા હોઈ ચોંકાવનારી સ્થિતિ છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.....

Atal

રાજ્ય સરકાર શિક્ષણ પાછળ તનતોડ મહેનત કરી કોઈ કચાશ ના રહે તેમજ જરૂરી માળખાકીય સુવિધા માટે સમગ્ર શિક્ષાને જવાબદારી આપી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેતી સમગ્ર શિક્ષા અભિયાનની ડીપીઈ કચેરીના હાલમાં થયેલી મહેકમ બાબતની‌ પ્રક્રિયાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાનની ડીપીઇ કચેરી હેઠળ વિવિધ ઇજનેરોની કરાર આધારિત ભરતી હાથ ધરવામાં આવી છે. જેમાં મહત્તમ વયમર્યાદા 35 વર્ષ છે, જ્યારે આ પ્રકારની અગાઉ થયેલી ભરતીમાં વયમર્યાદા 35થી વધુ હતી. આટલુ જ નહિ છેલ્લા 10 વર્ષમાં થયેલી ભરતીમાં વારંવાર વયમર્યાદા બદલવામાં આવે તો આવું કરવાના નિર્ણયો અને તેની ખરાઇ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે. વાત એવી પણ ચર્ચાઈ રહી કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની માનસિકતા ધરાવતા હોય તેવા માટે દરવાજો બંધ રાખવાનુ પણ કારણ હોઈ શકે છે.

Atal

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કરાર આધારિત ભરતી થાય છે અને થઈ છે પરંતુ તેમાં સમગ્ર શિક્ષાની જેમ વયમર્યાદા બાબતે વારંવાર ફેરફાર થતાં નથી. આથી સમગ્ર શિક્ષાના ઇજનેરોની ભરતીમાં કેમ ચોક્કસ અને કાયમી વયમર્યાદા નથી તે સૌથી મોટો સવાલ છે. એક નિશ્ચિત અને ફિક્સ વયમર્યાદા નથી એટલે ઈરાદાપૂર્વક સત્તાધીશો તેનો ઉપયોગ કરી રહ્યા? ઉત્તર ગુજરાતના‌ ચળવળકારે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો વયમર્યાદા બાબતે જોગવાઈ હોવી જોઈએ અને તેની જે સંસ્થા કે અધિકારી/મંત્રીને સત્તા હોય તે જ નક્કી કરી શકે. મનસ્વી રીતે વયમર્યાદા નક્કી કરી વારંવાર તેનો પોતાને અનુકૂળ થાય તે પ્રકારે ઉપયોગ કરવાનું કારણ સમજવા જેવું છે.