સેટિંગ્સ@ડાંગ: વનવિભાગના લેબર કામોમાં એજન્સીના મજૂરો કાગળ ઉપર? રોજમદારો અસલી હીરો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ડાંગ ઉત્તર વનવિભાગ દ્વારા લેબર બાબતોના કામે ટેન્ડર થાય છે પરંતુ વર્ક ઓર્ડર ધરાવતી એજન્સીના લેબરો કામ કરે છે કે રોજમદારો ? આ સવાલ ખૂબ ઉંડી તપાસ માંગે તેવો અને ભ્રષ્ટાચાર શોધવાનો માધ્યમ બને તેવો છે. વર્ષે દહાડે મજૂરી કામ માટે થતાં ટેન્ડર હેઠળ આવતી એજન્સીના લેબરોની ખરાઇ કરવી પડે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્લોટની સફાઈથી લઈને રોપાના ઉછેર સુધીની કામગીરી 8 રેન્જમાં થાય છે તો શું એજન્સીઓના જ લેબરો તમામ પ્રકારની મજૂરી કરે છે? પરસેવો પાડતાં રોજમદારોમા બૂમરાણ મચી છે કે, એજન્સીઓના લેબરો કાગળ ઉપર હોય છે, અસલી હીરો રોજમદારો છે. હવે જાણીએ સમગ્ર અહેવાલ.
પ્રકૃતિની જેના ઉપર આફરીન છે અને રાજ્ય વનવિભાગ પણ ખૂબ મહેનત કરી રહી છે તેવા ડાંગ જિલ્લામાં ઉત્તર ડીવીઝનનો વહીવટ અનેક સવાલો હેઠળ છે. અવારનવાર ઉત્તર ડાંગ વનવિભાગમાં કે તાબા હેઠળની પરિક્ષેત્ર રેન્જમાં મજૂરી કામે ટેન્ડર આવે છે અને માનીતી એજન્સીને વર્ક ઓર્ડર મળે છે. હવે આ વર્ક ઓર્ડર ધરાવતી એજન્સીના જ માણસો રેન્જમાં રોપા ઉછેર કે અન્ય કામે મજૂરી અર્થે આવે છે? હકીકતમાં મામલો કંઈક અલગ પણ હોઈ શકે છે. જે પ્રમાણે ખર્ચ થાય છે અને એજન્સીઓને રકમ ચૂકવાય છે તે કાગળ ઉપરની હકીકત છે પરંતુ અંદરની સ્થિતિ અલગ છે. એજન્સીઓ તો એક પ્લેટફોર્મ પૂરતી અને આમ કહો કે જીએસટી ભરવા પૂરતી ભૂમિકામાં છે. વાંચો નીચેના ફકરામાં કેવી રચના છે આ એજન્સીઓની માયાજાળમાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે એજન્સીઓને વર્ક ઓર્ડર મળે તેમણે રેન્જમાં ટેન્ડર મુજબના કામો કરવા લેબરો મોકલવાના હોય. હવે અહીં સ્થિતિ એવી છે કે, ટેન્ડર મુજબના અનેક કામો ખુદ રોજમદારો મારફતે થાય છે એજન્સી વાળા માત્ર નામ આધારે રકમ મેળવી લે છે. હવે આવું બની શકે ? એજન્સીઓના માણસો ના હોય તો રેન્જ ફોરેસ્ટ વાળા કડક થાય પરંતુ એજન્સીવાળાને જીએસટી અને અમુક રકમ જ લેવાની બાકીની રકમ કડક નહિ બનવા ખર્ચાય છે. જો સીસીએફ અથવા અરણ્ય ભવનની સ્પેશ્યલ ટીમ એજન્સીઓની સંપૂર્ણ ખરાઇ કરે અને કાગળ ઉપરના લેબરોની રૂબરૂ તપાસ કરી જુએ સાથે રોજમદારોના ખાનગી નિવેદન મેળવે તો આ સેટિંગ્સવાળો કાંડ બહાર આવે તેવી શક્યતા રોજમદાર વર્ગમાં ચાલી રહી છે.