આનંદો@ગુજરાત: અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન હવે સાણંદમાં પણ ઉભી રહેશે, જાણો વધુ

 
Ashwini Vaishnav

અટલ સમાચાર, ડેસ્ક

સાણંદના જીઆઇડીસી ખાતે માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું ભૂમિપૂજન કરતી વખતે કેન્દ્રીય રેલ મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદથી સાણંદ અને સાણંદથી અમદાવાદ જતા લોકો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેનનું હવે સાણંદમાં પણ સ્ટોપેજ રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આવતા છ મહિનામાં અમદાવાદથી સાણંદ માટે વર્લ્ડ ક્લાસ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે.

અમદાવાદ - સાણંદ આવવા જવાની સુવિધા

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ગુજરાતીઓ માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવાના છે. ત્યારે અમદાવાદથી સાણંદ ફટાફટ જઇને આવી શકો તે માટે અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ સાણંદમાં પણ રાખવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદ અને સાણંદ વચ્ચે આગામી છ મહિનામાં એક વર્લ્ડ ક્લાસ ટ્રેન શરૂ કરવામાં આવશે.

રવિવારે, 24મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. તેમાં અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને પણ વર્ચ્યુઅલી લીલીઝંડી આપશે. 24મી સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે આ ટ્રેન જામનગરથી રવાના થશે. આ ટ્રેનમાં પહેલા રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતીને સ્ટોપેજ આપવામાં આવ્યું હતુ. હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સાણંદમાં જાહેરાત કરતા કહ્યુ છે કે, વંદે ભારત ટ્રેનને મહેસાણામાં પણ રોકવામાં આવશે

નોંધનીય છે કે, અમદાવાદથી રોજ સાંજે 17.55 કલાકે ઉપડી રાતે 22.35 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી આ ટ્રેન બુધવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દરરોજ સવારે 5.30 કલાકે ઉપડશે. મહત્વનું છે કે, સાંસદ પૂનમ માડમે અગાઉ વંદે ભારત ટ્રેન માટે રજૂઆત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સાંસદ પૂનમ માડમે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ ટ્રેન આધુનિક સુવિધાથી સજ્જ છે. ટ્રેનમાં આરામદાયક સીટ, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.