ચકચાર@અમદાવાદ: સમી સાંજે CG રોડ પર 50 લાખ રૂપિયાની ચીલઝડપ કરી બાઇકસવારો ફરાર

 
Crime Branch Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરમાં મોબાઇલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ તો બને છે પરંતુ હવે શહેરના ભરચક એવા સીજી રોડ પરથી રૂપિયા 50 લાખની ચીલ ઝડપનો બનાવ સામે આવ્યો છે. બાઇક પર આવેલા બે શખ્સોએ આ બેગ છીનવી ફરાર થઈ ગયા છે.

સીજી રોડ ઉપર ફરી એક વખત ચીલ ઝડપનો બનાવ બન્યો છે. આંગડિયા પેઢીનો કર્મચારી એકટીવા પર રૂપિયા 50 લાખ ભરેલ બેગ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો એ આ બેગ છીનવીને ફરાર થઈ ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા નવરંગપુરા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીજી રોડ પર આવેલ આર અશોક આંગડિયા પેઢીમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતા વિરેન્દ્ર દવે તેમના શેઠના કહેવા પ્રમાણે આજે બપોરના સમયે ઇસ્કોન આર્કેડમાં આવેલ આશિલ આંગડિયા પેઢીમાંથી 1 કરોડ રૂપિયા લેવા માટે ગયા હતાં. જેમાંથી 50 લાખ રૂપિયા તેમણે વી પટેલ આંગડિયા પેઢીમાં આપ્યા હતાં, અને બીજા 50 લાખ રૂપિયા લઇને તેઓ એક્ટિવા પર જઇ રહ્યા હતાં ત્યારે સીજીરોડ સુપર મોલ નજીક એક મોટર સાયકલ પર આવેલા બે ગઠિયાઓ એક્ટિવામાં આગળના ભાગે રાખેલ રૂપિયા ભરેલ બેગ લઇને ફરાર થઇ ગયા હતાં. જો કે ફરિયાદીએ આરોપીઓનો પીછો પણ કર્યો હતો. પરંતુ તેઓ ફરાર થવામાં સફળ થયા હતાં.