અમદાવાદઃ યુવતીને ઓનલાઇન મિત્રતા કરવી ભારે પડી, યુવકે અનેક નવા બહાના બનાવી 47 લાખ પડાવ્યા
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


અમદાવાદની યુવતીને ઓનલાઇન એપ્લિકેશન થકી એક યુવક સાથે પહેલા મિત્રતા કરવી ભારે પડી છે. મિત્રતા કર્યા પછી લગ્નની વાતો કરી આરોપીએ મુંબઈની મોટી હોસ્પિટલમાં સર્જન હોવાનું કહી ફિલ્મી હીરો માફક રોજેરોજ અલગ અલગ દેશમાં સર્જરી કરવા જતો હોવાનું કહી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. બાદમાં વિશ્વાસ કેળવી લીધા પછી ધીરે ધીરે યુવતીના 47.50 લાખ ખંખેરી લીધા હતા.

શહેરના ન્યુ મણીનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામ કરે છે. વર્ષ 2021 માં બમ્બલ એપ્લિકેશન દ્વારા તેને અર્જુન મોટવાણી નામના યુવક સાથે મેસેજ દ્વારા વાત થઈ હતી અને આ અર્જુન પોતે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવી મુંબઈ ખાતે આવેલી લીલાવતી તથા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરી હાલ અમદાવાદ એપોલો હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ વાતચીત દરમિયાન અર્જુનનો મોબાઇલ નંબર લીધો હતો અને પોતાનો નંબર આપ્યો હતો. બાદમાં WhatsApp થી બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા.


ત્યારબાદ અર્જુને યુવતીને જણાવ્યું કે, એપોલો હોસ્પિટલથી સર્જરી માટે તેને કોચિન ખાતે મોકલ્યો છે. થોડા દિવસો બાદ અર્જુન આ યુવતીને પહેલી વખત રૂબરૂ મળવા કોચિનથી વસ્ત્રાપુર ખાતે આવેલી યુવતીની ઓફિસે આવ્યો હતો. જ્યાં બંને બેથી ત્રણ કલાક સુધી બેઠા હતા અને વાતચીત કરી હતી. બાદમાં અર્જુન ત્યાંથી નીકળી ગયો હતો.

થોડા દિવસ પછી અર્જુને પોતાને બે દિવસ ઓફ હોવાનું જણાવી યુવતીને કોચીન બોલાવી હતી. જ્યાં અર્જુન અને આ યુવતી એક રૂમમાં રોકાયા હતા. જ્યાં અર્જુને પોતાના પરિવાર વિશે વાતો આ યુવતીને કરી હતી. અર્જુને પોતાની બહેનના લગ્ન થઈ ગયા છે અને તેના માતા-પિતા લંડન ખાતે રહેતા હોવાનું જણાવી યુવતીને અમદાવાદમાં ઘર શોધી રાખવા જણાવી બીજી સર્જરી માટે ચેન્નઈ જવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં ફરી એક વખત અર્જુને યુવતીને હોસ્પિટલના કામથી દિલ્હી આવ્યો હોવાનું જણાવી બાદમાં શ્રીનગર જવાનું છે તેમ કહી યુવતીને દિલ્હી એક હોટલમાં મળવા બોલાવી હતી. જ્યાં લગ્નની વાતચીત કરી વિશ્વાસમાં લીધી હતી. આમ ધીરે ધીરે પોતાની જાળમાં ફસાવી અર્જુન નામના આ વ્યક્તિએ ધીમે ધીમે કરી રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. અર્જુન નામના શખશે પોતે શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે છે તેવી મોટી મોટી વાતો કરી કોઈને કોઈ બહાને આ યુવતી પાસે વધુ એક વાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. 

આમ યુવતી પાસેથી એક જ વર્ષમાં 30 લાખ 50 હજાર રૂપિયા આ શખશે લીધા હતા અને બાદમાં પોતે શ્રીનગર આવ્યો છે અને તું શ્રીનગર આવજે જ્યાં તારા રૂપિયા પરત આપી દઈશ તેમ કહી ફરી યુવતીને જાળમાં ફસાવી હતી. ચેન્નઈમાં વધુ પૂર આવ્યું હોવાથી આ શખસે યુવતીને જણાવ્યું કે, તેના ઘરડા ઘરમાં નુકસાન થયું છે અને માણસો પણ મૃત્યુ પામ્યા છે. પૈસાની ખૂબ જ જરૂર છે તેમ કહી વધુ એકવાર રૂપિયા પડાવ્યા હતા.