અમદાવાદઃ નશાના રવાડે ચડેલા પિતાએ પુત્રના 6 ટુકડા કરી અલગ-અલગ કચરા પેટીમાં ફેંકી દીધા
અમદાવાદ

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગોનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આંબાવાડી   વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસ.ટી.ના અધિકારીએ પોતાના પુત્રની હત્યા કરી અને તેના શરીરના ટૂકડા પોલિથીનમાં ભરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આ મૃતક પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને પિતાના લાખો રૂપિયા વેડફી નાંખીને પિતાને જ અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આરોપી પિતાએ પુત્રની હત્યા કરીને ભગવાનની માંફી માંગવા માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ગયા હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ કેસને ફિલિસાઇડ કહ્યું છે.
 

ક્રાઇમ બ્રાંચે વાપરેલા ફિલિસાઇડ શબ્દનો અર્થ એવો થાય છે કે, માતા કે પિતા દ્વારા જાણીજોઇને પોતાના સંતાનની હત્યા  કરવી. આ શબ્દ લેટિન શબ્દ ફિલિયસ અને ફિલિયા (પુત્ર\પુત્રી) પરથી આવ્યો છે. સાઇડનો અર્થ થાય છે મારવું, હત્યા કરવી. આ શબ્દનો અપરાધ અને ગુનેગાર બંને માટે ઉપયોગ થાય છે.

આરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયમ સાથે રહેતા હતા. 18 જુલાઈના રોજ આરોપી પિતા નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યા કરી નાંખી હતી. પિતાએ લાશનો નિકાલ કરવા માટે શરીરના ટુકડા કરીને પોલિથીન બેગમાં ભરી અલગ-અલગ વિસ્તારની કચરા પેટીમાં ફેકવાનું નક્કી કર્યું હતું. પિતાએ ઈલેક્ટ્રીક કટર વડે ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા. આરોપી પિતા હત્યા કર્યા બાદ નાહીધોઈને ભગવાન પાસે માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે પણ ગયા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા હતા. તેઓએ બપોર બાદ શરીરનો એક ટુકડો વાસણા વિસ્તારમાં અને બીજો પાલડી વિસ્તારમાં ફેંક્યો હતો.


આરોપીની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશીનો પુત્ર સ્વયમ 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયંમ કોઈ કામ ધંધો કરતો નહતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયમ દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો જેને લઈને પિતા પુત્ર વચ્ચે અનેકવાર ઝઘડા થતા હતા. 18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બીભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ દરમિયાન સ્વયમે તેના પિતાને પાવડાના હાથા વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિલેશ જોશીએ સ્વયમને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો. જે બાદ સ્વયમના માથામાં રસોડામાં રહેલ પથ્થરની ખાંડણી લઈને 7-8 ઘા માર્યા હતા જેમાં સ્વયમનું મોત થયું હતું.

આવેશમાં હત્યા કર્યા બાદ આરોપી નિલેશ જોષી કાલુપુરથી ઇલેક્ટ્રીક કટર અને મોટી પોલિથીન બેગ લાવ્યા હતા. જો બાદ પિતાએ લાશના 6 ટુકડા કરી નાંખ્યા હતા. જેને અલગ અલગ પોલિથીનની થેલીમાં ભરી દીધા હતા. જે બાદ તેને પોતાના ટુ વ્હિલર પર આ અલગ અલગ ટુકડા ફેંકી દીધા હતા. જે બાદ તે સુરત ભાગી ગયા હતા. સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયા હતા. જ્યાં તેમને પકડી પાડ્યા હતા.