અમદાવાદઃ સાઈકલની ખરીદી પહેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક નવું જાહેરનામું બહાર પાડ્યું

અટલ સમાચાર, ડજેસ્ક
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જાહેરનામા મુજબ સાઈકલ, બેટરીથી ચાલતા ટૂ વ્હીલર જેવા વાહનો વેચતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. ગ્રાહકએ કોઈપણ એક આધાર પુરાવો જેવો કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ આપવાનું રહેશે. બિલમાં ખરીદનારનું પુરૂ નામ- સરનામું અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. બિલમાં સાયકલ/ સ્કૂટરની ફ્રેમ નંબર પણ લખવા પડશે.
ભૂતકાળમાં અમદાવાદમાં પર્યટન સ્થળ, જાહેર જગ્યાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફિસ પાસે અનેક મોટી દુર્ઘટના બન્યા બાદ હવે પોલીસ સતર્ક બની ગઈ છે. જેના ભાગરૂપે અમદાવાદમાં સાઈકલની ખરીદી માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લીગલ ID ડોક્યુમેન્ટ્સ વગર સાયકલ અથવા બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહન નહીં ખરીદી શકાય. અગાઉ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સાયકલ, ટુ-વ્હીલરનો ઉપયોગ થતા આ સાવધાનીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડ્યું હોવાનું મનાઈ રહ્યું છે.આ સિવાય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, અમદાવાદમાં મોબાઈલ સિમ કાર્ડની ખરીદી પર લીગલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અસામાજિક તત્વો સિમકાર્ડનો ઉપયોગ નાણાકીય સાયબર ક્રાઈમમાં કરે છે, જેના કારણે ગુનાખોરો નકલી ડોક્યુમેન્ટ આપી સાઈબર ક્રાઈમ આચરતા આ નિર્ણય લેવાયો છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મોબાઈલ ફોન મામલે પણ જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે કેટલાક લોકો મોબાઈલ ફોનના સીમકાર્ડનો દુરઉપયોગ કરે છે. જેથી દુકાનદારોએ મોબાઈલ ફોનના સીમકાર્ડ લેનારના રહેઠાણનો પુરાવો અને ઝેરોક્ષ રાખવી પડશે. તેમજ તેની એક્સલશીટમાં માહિતી સાચવી રાખવી પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.