ખરીદી@અમદાવાદ: પુષ્ય નક્ષત્રના શુભ દિને સોની બજારમાં તેજી, 125 કિલો સોનું-1200 કિલો ચાંદીનું વેચાણ

 
Gold

અટલ સમાચાર, ડેસ્ક 

18 ઓક્ટોબરના રોજ ગઇકાલનો દિવસ પુષ્ય નક્ષત્રનો દિવસ હતો. જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર આઠમું નક્ષત્ર છે. આ પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા પણ કહેવાય છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોના-ચાંદી, ઘરેણાં સહિત કોઈ પણ વસ્તુ ખરીદવી હંમેશા શુભ માનવામાં આવે છે. ત્યારે કોરોનાના 2 વર્ષ બાદ ગઇકાલે પુષ્ય નક્ષત્ર સોની બજારને ખાસું ફળ્યું હતું.

ગઇકાલે પુષ્ય નક્ષત્રના દિવસે અનેક શહેરોમાં સોના-ચાંદીની જ્વેલર્સની દુકાનો પર સોનું-ચાંદી લેવા માટે લોકોની પડાપડી થઇ હતી. અમદાવાદમાં પુષ્ય નક્ષત્રમાં 125 કિલો જેટલું સોનું અને 1200 કિલો ચાંદીનું વેચાણ થયું હતું. શહેરમાં 23 લાખની એક હીરાજડિત વીંટી પણ વેચાઈ હતી. જ્યારે સોનામાં 60 ટકા લગડી અને સિક્કાનું વેચાણ થયું હતું. 30 ટકા ફેશનની અને 20 ટકા લગ્ન માટેની ખરીદી થઈ હતી.

આ તરફ સુરતમાં પણ પુષ્ય નક્ષત્રમાં 70 કિલો સોનાના દાગીનાનું વેચાણ થયું હતું. સુરતમાં રૂ. 30 કરોડની કિંમતના સોનાનું વેચાણ થયું હતું. કુલ વેચાણમાંથી 40% સોનાની લગડી, બિસ્કિટ અને સોનાના સિક્કાનું વેચાણ થયું. વેપારીઓનું કહેવું હતું કે, પુષ્ય નક્ષત્ર નિમિત્તે ઘણા બધા ગ્રાહકોએ એડવાન્સમાં મનગમતી ડિઝાઈનવાળા દાગીનાનો ઓર્ડર આપી દીધો હતો. જેની ડિલિવરી પુષ્ય નક્ષત્રના દિવસે થઇ હતી. હજુ ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીના સિક્કા અને દાગીનાનું ધૂમ વેચાણ થશે. 

વેપારીઓનું કહેવું છે કે, હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આથી આ વર્ષે દિવાળીમાં લોકોએ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી છે. જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ તુરંત લગ્નની સિઝન શરૂ થતી હોવાથી ઘણા બધા લોકોએ પુષ્ય નક્ષત્રમાં લગ્નસરાની ખરીદી કરી લીધી છે.