ચોમાસુઃ મેંઘરાજાની ધમાકેદાર બેટીંગ, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

ભારે વરસાદ ખાબકતા વાસણા બેરેજનાં 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. બેરેજના 19થી 23 નંબરના ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા.
 
varsad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ થઇ છે. ગઇકાલે મોડીસાંજથી વરસેલા વરસાદને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી જ પાણી ભરાયું છે. અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો સંકટ હજી ટળ્યું નથી. આજે પણ રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતને વરસાદે ઘમરોળી નાંખ્યું છે. અમદાવાદમાં રવિવારે સાંજથી સોમવારે એટલે આજે સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસસ્યો હતો. જિલ્લાના નદી-નાળાઓ છલકાઈએ ગયા હતા. હજારો લોકોના ઘરમાં પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

અમદાવાદમાં રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા.. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે. જોકે, આજે સવારે મકરબા ક્રોસિંગ અંડરપાસ, પરિમલ અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ હજી બંધ છે. આ ઉપરાંતનાં તમામ અંડરપાસ ચાલુ છે.

અમદાવાદમાં રાતના 12 વાગ્યા બાદ પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે વેજલપુર વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. વેજલપુર વિસ્તારમાં રાતના 11.30થી અંધારપટ છવાયું હતુ. શહેરમાં સોમવારની વહેલી સવાર સુધી વરસાદ ધીમીધારે વરસતા અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી હજી સવારે સાત વાગે પણ નીકળ્યા નથી. ભારે વરસાદ ખાબકતા વાસણા બેરેજનાં 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. બેરેજના 19થી 23 નંબરના ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 11મી તારીખે અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા તથા કચ્છ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.