ચેતવણીઃ વાસણા બેરેજના 24 દરવાજા ખોલી દેવાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા

સંત સરોવરની આજની સપાટી 51 મીટર નોંધાઇ છે. આ સાથે આ સરોવરના બધા જ ગેટ ફ્રી ફ્લોમાં ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 20938 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
 
વાસણા

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા થોડા દિવસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. નર્મદા કેનાલ, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી કુલ 76400 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. આજે વહેલી સવારથી સાબરમતી નદીનાં ધસમસ્તા પ્રવાહ જોવા મળી રહ્યા છે. આ સાથે આજે વાસણા બેરેજના 24 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વોકવે પર પાણી ભરાવાની સંભાવનાને પગલે સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર ત્યાં બંધ કરી દેવામાં આવી છે.

આ સાથે વાસણા બેરેજની હાલની સપાટી 127 ફૂટ થઇ છે. જેના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલું પાણી 21630 છે. ધરોઇ ડેમની આજની સપાટી 188.68 મીટર નોંધવામાં આવી છે. જેના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. સંત સરોવરની આજની સપાટી 51 મીટર નોંધાઇ છે. આ સાથે આ સરોવરના બધા જ ગેટ ફ્રી ફ્લોમાં ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 20938 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.