અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણી રૂપ બનાવ, બાળક રમતમાં 14 મણકાં ગળી જતાં આંતરડામાં 7 કાણાં પડ્યા
manka

અટલ સમાચાર, ડેસ્ક

મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઈ અમદાવાદમં કેટરિંગનું કામ કરે છે. તેમનો દીકરો બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. અચાનક તેની તબિયત બગડતા પરિવાર પર ચિંતાનો પહાડ તૂટી પડ્યો હતો. મેડિકલ તપાસમાં સામે આવ્યુ કે, તેમનો દીકરો મેગ્નેટિક મણકા ગળી ગયો હતો. હોજરી પછી આવેલા નાના આંતરડામાં 14 જેટલા મેગ્નેટિક મણકા ચોંટી ગયા હતા. બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોવાથી આંતરડામાં કાણાં પડી ગયા હતા. મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હોવાથી પોતાની આકર્ષણ શકિતને કારણે એકબીજા તરફ આકર્ષાવા લાગ્યા હતા. આ મેગ્નેટિક મણકા જેમ જેમ શરીરમાં ગયા એકબીજા સાથે ચોટતા ગયા અને પરિણામ સ્વરૂપે આંતરડામાં 7 જેટલા કાણાં પડી ગયા હતા. અલગ અલગ જગ્યાએ 14 મેગ્નેટિક મણકા ચોંટેલા હોવાથી ઓપરેશન સમયે એકસાથે તમામ મણકાને કાઢવામાં આવે તે ખૂબ જરૂરી હતું. અસારવા સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા 3 કલાક ઓપરેશન કરી બાળકનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, નાના બાળકમાં હોજરી ખૂબ જ નજીક નાનું આંતરડું આવેલું હોય છે, આ અંતર જેટલું ઓછું એટલું જ ઓપરેશનમાં રિસ્ક રહેતું હોય છે. કોઈ બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોય એવો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહેલો કિસ્સો સામે આવ્યો હતો. બાળકને 10 એપ્રિલથી પેટ ફૂલી જવાની અને ઉલ્ટીની સમસ્યા શરૂ થઈ હતી, જે મુજબ મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હતા એ જોતા કદાચ બાળકે 10 - 15 દિવસમાં મેગ્નેટિક મણકા ગાળવાની શરૂઆત કરી હશે. એક્સ-રેમાં મણકાની લાઈન જેવું દેખાતું દ્રશ્ય મેગ્નેટના મણકા હશે એવો અમને ખ્યાલ પણ ન હતો. 

તેમણે કહ્યુ કે, મેગ્નેટના 14 ટુકડા બાળકના આંતરડાંમાં જુદી જુદી જગ્યાએ ચોંટ્યા હતા, જેથી આંતરડાની દીવાલમાં અનેક કાંણા પડયા હતા, એટલે ઓપરેશન કરીને તમામ ટુકડા એકસાથે જ કાઢવા જરૂરી હતા. ઓપરેશન વખતે 14 મેગ્નેટિક મણકા બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડા કાપવા પડયા અને એક જગ્યાએ ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા હતા. આ કિસ્સામાં બાળકનો જીવને પણ જોખમ હતું, જો કે સમયસર ઓપરેશન કરવામાં આવતા બાળક હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યું છે. 
 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બાળકના પિતા અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાતા પ્રેમજીભાઈએ કહ્યું કે બાળકના પેટમાં સોજો આવતા, ગ્રીન કલરની ઉલ્ટીઓ શરૂ થઈ હતી, ત્યારબાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બાળક કોઈ મણકા જેવી ચીજ ગળી ગયું હોવાનો ખ્યાલ આવતા અમે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. બાળકની સ્થિતિ અને ઓપરેશનની ગંભીરતાને ધ્યાને કારણે સોલા સિવિલમાંથી બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયુ હતું. અસારવા સિવિલમાં ડોક્ટરો દ્વારા એક્સ-રે કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી, હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. 

ઉલ્લેખનીય છે કે 10 વર્ષ સુધીનું બાળક કોઈપણ ચીજ ગળી જાય એ સામાન્ય રીતે બનતું હોય છે. બાળકના શ્વાસનળીમાં ચણો, સિંગના દાણા ફસાઈ જાય, રૂપિયાનો સિક્કો ગળી જાય એવા અનેક કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ બાળકને નુકસાન થઈ શકે એવી કોઈપણ ચીજ બાળકને આપતા પહેલા માતા-પિતાએ ચેતવું જોઈએ. બાળકના શ્વાસમાં જાય અથવા બાળક ગળી જાય ચીજોથી બાળકને બચાવવું જોઈએ, બાળકના હાથમાં આવી શકે અને એનાથી નુકસાન થાય એવી ચીજ બાળકથી દૂર રાખવી જોઈએ.