અમદાવાદઃ ગુજરાતમાં દારૂ બંધી ક્યારે થશે, બુટલેગરો નવા-નવા કિમિયા અપનાવી દેશી દારૂનું ધૂમ વેચાણ કરે છે
daRU

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદમાં બનેલા કથિત લઠ્ઠા કાંડ બાદ અમદાવાદ શહેરમાં પણ દેશી દારૂ વેચતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. છતાં પણ કેટલાક બૂટલેગરો છે કે જે નત નવા કીમિયાઓ શોધી કાઢતા હોય છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજિલન્સની ટીમે રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો બીજી તરફ ઝોન 7 એલ.સી.બીએ આનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

ઝોન 7 એલ.સી. બી ટીમને બાતમી મળી હતી કે, આનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વ્રજ નગરી આવાસ યોજનામાં નવઘણ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના ઘરમાં એક ભોંયરું બનાવીને તેમાં દેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમીના આધારે રેડ કરતા પોલીસને આ મકાનમાં બનાવેલ ભોંયરામાંથી 140 લિટર દેશી દારૂ મળી આવ્યો છે.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપી સામે વધુ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ દેશી દારૂ છુપાવવા માટે મકાનમાં નાનું ભોંયરું બનાવી દીધું હતું. જેથી કોઈને શંકા ના જાય. સામાન્ય રીતે અત્યાર સુધીમાં આ રીતે વિદેશી દારૂની બોટલો છૂપાવવામાં આવતી હતી. પરંતુ હવે દેશી દારૂ ને લઈને પણ પોલીસે સખ્ત કાર્યવાહી કરતા બૂટલેગરો દારૂ છુપાવવા માટે નતનવા કીમિયા અપનાવવા લાગ્યા છે.

તો બીજી તરફ શહેરના દરિયાપુર વિસ્તારમાં મેણવાડમાં દરોડા પાડીને એક મહિલા સાથે ચાર લોકોને ઝડપી લીધા છે. જ્યાંથી પોલીસે 129 લિટર દેશી દારૂ, 3 મોબાઈલ સહિત 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓ વિરૃદ્ધમાં ફરિયાદ દાખલ કરીને કર્યદેસરની કાર્યવાહી કરી છે.