અમદાવાદ: સરકારી વાહનમાં જુગાર રમતા પોલીસકર્મીઓ ઝડપાયા, તાત્કાલિક જામીન

અટલ સમાચાર, અમદાવાદ
શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ડીસીપીના જૂના બંગલા પાસે સરકારી વાહનમાં બેસી જુગાર રમતા 3 પોલીસકર્મીઓની માધુપુરા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે રોકડ રૂ. 14000 કબ્જે કર્યા છે. પકડાયેલા ત્રણેય પોલીસ કર્મીઓને રાતોરાત જામીન પર છોડી દેવામાં આવ્યા છે.

બુધવારે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે શાહીબાગ હેડક્વાર્ટરમાં જુના ડીસીપી બંગલા પાસે કારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે માધુપુરા પોલીસે દરોડો પાડી સરકારી ગાડીમાં જુગાર રમતાં વખતસિંહ પરમાર, તલસી પટેલ (બંને. રહે. પોલીસ હેડક્વાર્ટર, નવા ત્રણ માળીયા) અને ભીખુ રાવળ (રહે. કેશવનગર )ની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્રણેય પાસેથી રોકડ રૂ. 14000 મળી આવી હતી. આરોપી પોલીસકર્મીઓ હેડક્વાર્ટર જ આવેલા જુના વાહનોમાં બેસી જુગારની પ્રવૃત્તિ કરતા હતા.
સામાન્ય માણસના લાખો રૂપિયાના વાહન જપ્ત કરી લેતી પોલીસ પોતાના વાહન માટે રિપોર્ટ મંગાવે છે. મુ્દ્દામાલ તરીકે અન્યના વાહનો પોલીસ જપ્ત કરે છે ત્યારે પોલીસનું વાહન હોવાથી આબરૂ બચાવવા માટે પ્રયાસ કરતા હોય તેમ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, સરકારી વાહનમાં જુગાર રમતા હતા. જે વાહન બાબતે એમ.ટી. વિભાગમાંથી માહિતી મેળવી તપાસ કરવામાં આવશે.