ACB@અમદાવાદ: પાણીની પાઈપલાઈનનું જોડાણ કરવા AMCનો મજૂરે 20,000ની લાંચ માંગી, રંગેહાથ ઝડપાયો

 
AMC

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ફરી એકવાર સફળ ACB ટ્રેપની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ ACBનો સંપર્ક કર્યો હતો. આ તરફ ACBએ છટકું ગોઠવી અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના મજૂરને 20 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં બત્રીસી હોલ દ્વારા પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી. જેથી ઇજનેર વિભાગ દ્વારા પાણીની નવી પાઈપલાઈનનુ ખોદકામ શરૂ કર્યું હતું. કામ ચાલતુ હોય હોલની બાજુમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાનની પાણીની પાઈપલાઈન નાખવા માટે ઇજનેર વિભાગમાં સ્ટેડિયમ વોર્ડમાં મજૂર તરીકે ફરજ બજાવતા હેમરાજભાઈ દાફડા (રહે. પંચશ્લોક હોમ્સ,ત્રાગડ રોડ,ચાંદખેડા) સાથે બત્રીસી હોલની પાણીની પાઈપલાઈન સાથે તેઓની પાણીની પાઇપલાઈનનુ ગેરકાયદેસર રીતે જોડાણ કરી આપવાની વાત કરી હતી.

આ તરફ પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર જોડાણ કરવા માટે કોર્પોરેશનના મજૂર વર્ગના કર્મચારી હેમરાજભાઈએ રૂ.25000ની લાંચની માગણી કરી હતી. આ રકઝકના અંતે રૂ.20,000 નક્કી કર્યા હતા. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ફરિયાદ આપતા ACBએ લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં ACB અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાનાં સુપરવિઝન હેઠળ ACB પોલીસ સ્ટેશનનાં PI સી.જી.રાઠોડની ટીમે લાંચની રકમ રૂ.20,000 લેતા હેમરાજભાઈ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.