ચકચાર@ગુજરાત: ગ્રામ પંચાયતના સભ્યોના સંબંધીઓ બન્યા લાંચિયા, ત્રણ કેસમાં 7ઈસમો ઝબ્બે

બેંક કર્મચારી, હોસ્પિટલ સુપરવાઈઝર સહિતના એસીબીની ઝપટમાં આવ્યા
 
ACB gujarat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નવી સરકારની આવતાંની સાથે જ એસીબીએ તનતોડ મહેનત શરૂ કરી છે. જેના પરિણામ સ્વરૂપે હવે એક જ દિવસમાં એકથી અનેક સ્થળોએ ધડાધડ રેડો પડી રહી છે. જેમાં રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવતાં હોઈ ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ રહી છે. કર્મચારી કે અધિકારી લાંચ લેતાં પકડાયા પરંતુ હવે તો ગ્રામ પંચાયતમાં સભ્યો તો ઠીક ચૂંટાયેલા સભ્યોના સંબંધીઓ જ લાંચિયા બની ગયા છે. ખંભાળિયા તાલુકાના એક ગામમાં ખનીજના ટ્રકો પસાર દેવાની વાતમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યોના સગાં કટકી કરવા લાગી ગયા હતા. જેમાં એસીબીએ રંગેહાથ 4 ઈસમોને લાંચ લેતાં ઝડપી લીધા તો બીજા કેસમાં બેંકના 2 કર્મચારીઓ પણ બેફામ થઈ સરકારી યોજનાના લાભાર્થી પાસેથી લાંચ લેતાં ઝડપાયા છે. જ્યારે ત્રીજા કિસ્સામાં કર્મચારીની બદલી ના થવા દેવાની રજૂઆતમાં 15 હજારની લાંચ લેતાં ઉપલા અધિકારી ઝડપાઇ ગયા છે. અમદાવાદ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસીબી ત્રાટકી હોવાનાં અહેવાલથી ખળભળાટ અને ફફડાટ વ્યાપી ગયો છે.
સૌપ્રથમ જાણીએ ગ્રામ પંચાયતના સભ્યોના લાંચિયા સંબંધીઓ અને એક ખુદ સભ્ય કેવી રીતે ઝડપાયા.
(૧) આરોપી: - સુનિલભાઇ કાંન્તીલાલ નકુમ( ગ્રામ પંચાયત સભ્યના સગાં) ઉ.વ 33 ધંધો, ખેતી રહે રામનગર વાડી વિસ્તાર, તા.ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા 
(૨) આરોપી: - જીતેન્દ્ર રમેશભાઇ નકુમ(ગ્રામ પંચાયત સભ્યના સગાં) ઉ.વ 28 ધંધો પેટા કોન્ટ્રાક્ટર રહે, રામનગર ડેરામોરા સ્કુલ પાસે તા.ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા 
(૩) આરોપી: - ખુદ ગ્રામ પંચાયતના સભ્ય, પાંચાભાઇ મનજીભાઇ નકુમ રહે, રામનગર ડેરામોરા સ્કુલ પાસે તા.ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા 
(૪) આરોપી: - લલીતભાઇ વેલજીભાઇ ડાભી(ગ્રામ પંચાયત સભ્યના સગાં) રહે. રામનગર, ડેરામોરા વાડી વિસ્તાર તા.ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની રામનગર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાંથી ખનીજ સંપતિ ભરેલા વાહનો નિકળતાં રહેતા હતા. આથી ગ્રામ પંચાયત સભ્યના સગાં એકઠાં થઈ પોતાના તથા પત્નીના તથા સગાં સંબધીના હોદ્દાની રૂએ પોતાના અંગત આર્થિક લાભ લેવા માટે ટ્રક વાળા પાસે વાહનો પસાર થવા દેવા સામે અવાર નવાર ત્રણ લાખની લાંચની માંગણી કરતાં હતા. રામનગર ગ્રામ પંચાયતના રસ્તેથી વાહનો નિકળવા દેવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની માંગણી દરમ્યાન રકઝકના અંતે રૂપીયા 2 લાખ આપવાનું નક્કી થયું હતુ. જેની ફરીયાદ મળતાં દેવભુમી દ્રારકા એ.સી.બી. પોલીસને મળતાં ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કર્યું હતું. જેમાં ટ્રકવાળાની ઓફિસે લાંચ લેવા ગયેલા ગ્રામ પંચાયતના સભ્યોના સગાં રૂપિયા 2 લાખ લાંચ લેતાં પકડાઈ ગયા હતા.
હવે જોઈએ બેંકના કર્મચારીઓ પણ કેવી રીતે લાંચિયા જાહેર થયા તે ઘટના.
1. રાહુલ કપૂરચંદ શર્મા, ઉ.વ. 31
આસી. મેનેજર ,સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, કળસાર તા.મહુવા જી. ભાવનગર રહે.પોસ્ટલ સોસાયટી, મહુવા જી.ભાવનગર    
2. બારૈયા મનોજભાઈ છગનભાઈ 
ઉં.વ.28 ધંધો - સબ સ્ટાફ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કળસાર તા. મહુવા 
જી.ભાવનગર રહે. કોટડા 
તા.મહુવા જી.ભાવનગર    
કળસાર ગામના નાગરિકને કુટીર અને ગ્રામ ઉધોગની વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ સ્વરોજગાર અંતર્ગત લોન લેવી હતી. આથી કળસાર ગામની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયામાં જમા થયેલી લોન મંજૂર થવા સામે બેંકના બંને કર્મચારીએ રૂપિયા 25 હજારની લાંચ માંગી હતી. જેની ફરિયાદ ભાવનગર એ.સી.બી પોલીસને થતાં ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કર્યુ હતુ. જેમાં બેંકના બંને કર્મચારી બેંકની અંદર જ રૂપિયા 25 હજાર લાંચ પેટે લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. 
ત્રીજા કિસ્સામાં કર્મચારીની બદલી રોકવા પણ લાંચની ચોંકાવનારી ઘટના.
અશોકભાઇ સદાભાઇ પરમાર રહે, કેસાબલુની ચાલી ,રાજપુર ગોમતીપુર નગરીમીલ સામે, અમદાવાદ
અમદાવાદના બાપુનગરમાં આવેલી સરકાર સંચાલિત ઇ.એસ.આઇ.સી મોર્ડન જનરલ હોસ્પિટલ ખાતે એક કર્મચારી કોન્ટ્રાક્ટ આધારિત હાઉસ કીપીંગની ફરજ બજાવતા હતા. આ કર્મચારીને બદલી નહિ કરવા તેના સુપરવાઈઝરે લાંચ માંગી હતી. સુપરવાઇઝર તરીકે આ કામના ઈસમે હોસ્પિટલમાં હાઉસ કીપીંગમાં ફરજ યથાવત રાખવા તેમજ બીજા વિભાગમાં બદલી નહીં કરવા રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. જેની ફરિયાદ અમદાવાદ શહેર એસીબી પોલીસને થતાં લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. જેમાં સુપરવાઈઝર હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે રૂપિયા 15હજાર લાંચ પેટે માંગી , સ્વીકારી પકડાઇ ગયા હતા‌.