મુશ્કેલી@હાઈવેઃ હાંસલપુર ચોકડીથી નાવિયાણી સુધીનો માર્ગ બન્યો જોખમી
 અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
અમદાવાદ જિલ્લાના હાંસલપુરથી નાવિયાણી સુધીના હાઈવેની હાલત બદથી બદતર બની જવા પામી છે. હાઈવે રોડ ઉપર મોટા-મોટા ખાડાઓ પસાર કરતા વાહનચાલકોને નાકે દમ આવી રહ્યો છે. અહીંથી પસાર થતા વાહનોની હાલત પણ બિસ્માર રોડની જેમ બની રહી છે. આથી વાહન ચાલકો ખૂબ પરેશાન બની ગયા છે. જ્યારે ચોમાસામાં મુશ્કેલી બમણી બની ગઈ છે.
 
 સરકારને ટોલટેક્સ જેવા વેરા આપી સુવિધા મેળવવાની આશા રાખી બેઠેલી જનતાને આખરે તંત્ર દગો આપી રહી હોવાનુ ઉદાહરણ હાંસલપુરના હાઈવે પર જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં આવેલ અને બેચરાજીની નજીકમાં હાંસલપુર આવેલું છે. જ્યાં મારુતિ સુઝુકી કંપનીનો મોટો પ્લાન્ટ હોવાથી અહીં મુસાફરો, કર્મચારીઓ અને ધંધાર્થીઓનો ધસારો રહેતો હોય છે.

અહીંથી પસાર થતો હાઈવે ઉબડખાબડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાંસલપુરથી નાવિયાણી સુધીના હાઈવે ઉપર એક ફૂટ ઊંડા ખાડા પડ્યા છે. જ્યારે સુઝુકી મોટર કંપનીના સામેનો માર્ગ અત્યંત જર્જરિત બની જવા પામ્યો છે. અકસ્માતનું જોખમ ઉભુ થાય તે પહેલા તંત્ર ધ્યાને આવે તો રાહત મળવાની લોકો આશા સેવી રહ્યા છે.

આ હાઈવેની હાલત જોઈ જનતા સરકારને પૂછી રહી છે કે, અકસ્માત રોકવાના નામે નિયમો બનાવી લોકોની પાસે પૈસા લેવાય છે. પરંતુ ખખડધજ હાઈવેને કારણે લોકોના વાહનો કોડીના ભાવે બની રહ્યા છે, અકસ્માતો બને છે ત્યારે જવાબદાર કોણ બનશે? આમ, વાહનચાલકો અત્યંત નારાજ બની લાગતા વળગતા તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તેમ ઈચ્છી રહ્યા છે.

