મનરેગા@દાહોદ: દરેક કામોમાં છે બળિયાની કટકી, સામાન્ય હોદ્દો છતાં જિલ્લાનો સૂબેદાર બની ગયો

 
Dahod DRDA

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં મનરેગાના તમામ કામોમાં પારદર્શકતા છે ? હા પાડતાં એકલાખ વાર વિચાર કરવો પડે. આખા જિલ્લામાં પહેલાંથી જ બૂમરાણ છે, ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં પણ રાળ છે. તો આ મનરેગાના કામોમાં પારદર્શકતા કેમ નથી અને જો કટકી થઈ રહી છે તો કોણ છે સૂત્રધારો ? આ તમામ બાબતો દાહોદ સિવાયના જિલ્લામાં ખૂબ જ રસપ્રદ બનતી જાય છે. હવે તો અન્ય જિલ્લાઓના તાલુકાના સંબંધિતો પણ રોચક બનતા જાય છે કે, શું આટલી હદે મનરેગામાં લાલિયાવાડી થતી હશે‌. જોકે આ તમામ બાબતોમાં ટોપ ટુ બોટમ અને અંદરનો વચેટિયો બધી ભૂમિકા પાર પાડી કટકીને અંજામ આપી રહ્યો છે. જાણો સ્પેશિયલ રિપોર્ટમાં....

ભરોસાની ભાજપ સરકાર રાજ્ય અને કેન્દ્રથી કરોડોની ગ્રાન્ટ વનબંધુઓના જિલ્લામાં ફાળવી રહી છે. દાહોદ જિલ્લાના શહેરોને અને ગામોને ટોપ ઉપર લઇ જવા જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો અને સાંસદ પ્રયત્નશીલ છે, જોકે મનરેગાના કામોમાં જાણો તિજોરી હાથ લાગી હોય તેમ બેટિંગ કરી અંદરનો વચેટિયો બેફામ બન્યો છે. આ વચેટિયો પાછલા કેટલાક વર્ષોથી મનરેગામાં ઘૂસીને આખરે બળિયો બની ગયો હોવાથી કોઈ રોકી શકતું નથી. આમ તો બળિયો નાના કદની જવાબદારીમાં છે પરંતુ આખા દાહોદ જિલ્લા મનરેગાનો સૂબેદાર બની ગયો છે. બળિયાની કારીગરી એટલી માસ્ટર છે કે, દાહોદ જિલ્લામાં અત્યાર સુધી અનેકવાર મનરેગા કૌભાંડ ગાજ્યું છતાં કોઈ જગ્યાએ બળિયાનુ નામ બહાર આવતું નથી. બધી ગોઠવણ, સુચના, માર્ગદર્શન, કટકીનો કારસો એમ બધું બળિયા બાહુબળથી થાય છતાં બળિયો કોરો રહે છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાથી માંડીને છેક ગ્રામ લેવલે રોજગાર સેવક અને ઘણી જગ્યાએ તો નાના પદાધિકારીઓ સહિતના બળિયાની પહોંચથી વાકેફ છે. આથી જો રાજ્ય સરકારને દાહોદ જિલ્લામાંથી રિકવરી કરવી હોય તો ખૂબ જ શક્યતાઓ રહેલી છે. કેવી રીતે એ પણ જાણીએ....

દાહોદ જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં મનરેગા હેઠળ થયેલા કામો, વહીવટી મંજુરી, તાંત્રિક મંજૂરી, લેબર મટીરીયલ રેશિયો, જે એસેટ કાગળ ઉપર ઉભી કરી તેની આજની સ્થળ સ્થિતિ, જોબકાર્ડ ધારકોની ખરાઇ, ગુણવત્તા સહિતની તપાસ તમામ તાલુકાઓમાં કરવામાં આવે તો કરોડોની ગેરરીતિ પકડાઇ શકે છે. જો ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી એક મોટી ટીમ બનાવી દાહોદ જિલ્લામાં ઉતારે તો આ બાહોશ ટીમ બધું ખૂંદી વળીને સરકારને કરોડોની રિકવરી કરી આપે અને સાથે કૌભાંડીઓ વિરુદ્ધ ઢગલાબંધ ફરિયાદો થાય તેવી પ્રબળ શક્યતા છે. આ ઢગલાબંધ ફરિયાદોનો સૂત્રધાર શોધવા જાય તો પણ આ બળિયો સામે આવે તેમ છે. આવતાં રિપોર્ટમાં બળિયાએ મનરેગામાં રહી શું કોઈ બેનામી સંપત્તિ એકઠી કરી? તેનો રિપોર્ટ કરવા પ્રયત્નશીલ...

Dahod DRDA

દાહોદ જિલ્લામાં કેવા કામોમાં અને કેવી રીતે થતું હશે કૌભાંડ ?

દરેકને સવાલ થાય કે, જો ગેરરીતિ થતી હોય તો પકડાતાં કેમ નથી. હા, સાચી વાત પરંતુ આ બળિયાના માર્ગદર્શકથી મનરેગાની કામગીરી એવી રીતે થઈ રહી કે, કટકી હોય તો પણ ખ્યાલ ના આવે. દાહોદ જિલ્લામાં જમીન અને માટી સંબંધિત ઘણા કામો થયા તેમાં સીધી રીતે કટકી નહિ પકડાય, મટીરીયલ ખરીદીમાં મિલીભગત કરેલી પરંતુ સાબિત કમિશ્નર કચેરી જ કરી શકે, ઓનલાઇન રિપોર્ટ અલગ અને ગ્રાઉન્ડ ઉપર કંઈક અલગ. હવે આ બધું ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીની બાહોશ મનરેગા ટીમ જ પકડી શકે તેમ છે.

જો કૌભાંડ પકડાય તો મોટા માથાને રેલો આવે તેમ છે

દાહોદ જિલ્લામાં મનરેગાના કામોની ઉચ્ચ કક્ષાની તપાસ થાય તો હાઇ લેવલનાં બાબુઓ અને મોટા ગજાના મળતિયાઓને રેલો આવે તેમ છે. કોઈની પણ શરમ રાખ્યા વગર જો મનરેગા કાયદા મુજબ તપાસ બાદ કાર્યવાહી થાય તો કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ થાય તે હદે કામોમાં લાલિયાવાડી છે. જોકે બલિહારી એવી પણ છે કે, ગણ્યાગાંઠ્યા કર્મચારીઓને છૂટાં કરી મામલો રફેદફે પણ થઈ ગયેલો છે.