રિપોર્ટ@અરવલ્લી: તત્કાલીન આયોજન અધિકારીએ કહ્યું, ડીએમએફની ગ્રાન્ટ આપ્યાં પછી તમામ જવાબદારી અમલીકરણની

 
Arvalli

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

અરવલ્લી જિલ્લામાં બહુચર્ચિત ડીએમએફ ગ્રાન્ટના ભ્રષ્ટાચારનો ધારાસભ્યે આક્ષેપ કર્યા બાદ મામલો ગરમાયો છે. કલેક્ટરના વડપણ હેઠળની કમિટીની ગ્રાન્ટ હોઈ ધારાસભ્ય ધવલસિંહે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ તરફ તત્કાલીન આયોજન અધિકારી ડાભીએ જણાવ્યું હતું કે, કમિટીએ ગ્રાન્ટ ફાળવ્યા બાદ તમામ જવાબદારી અમલીકરણ અધિકારીની બને છે. ગાઇડલાઈન મુજબ અને ટેન્ડરની શરતો મુજબ થાય તે જોવાની જવાબદારી પણ અમલીકરણ એજન્સીની બને છે. આયોજન અધિકારી કમિટીના મેમ્બર સેક્રેટરી તરીકે કલેક્ટરના ધ્યાને મૂકે પછી નિર્ણય કલેક્ટર લે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

અરવલ્લી જિલ્લામાં મિનરલ ફાઉન્ડેશનની વર્ષ 2021-22ની ગ્રાન્ટ મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના ચોંકાવનારા આક્ષેપોથી ચકચાર મચી ગઇ છે. રમતગમત અધિકારી અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થયેલ કરોડોના ખર્ચ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં કમિટીના તત્કાલીન સભ્ય સચિવ કમ ડીપીઓ ડાભીએ જણાવ્યું છે કે, અમારી કચેરીની જવાબદારી કમિટીના મેમ્બર સેક્રેટરી તરીકે ફાઇલ કલેક્ટર સમક્ષ મૂકવાની હોય છે. એકવાર અમે ગાઇડલાઈન મુજબ કમિટી ચેરમેન એવા કલેક્ટરને ધ્યાને મૂકીએ પછી ગ્રાન્ટ ક્યાં કેટલી આપવી અને કયા કામો લેવા તેમજ અમલીકરણ કચેરી સહિતના આખરી નિર્ણયો કલેક્ટર લે છે. 

જ્યારે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે પછી અમલીકરણ અધિકારીઓ સદર ગ્રાન્ટ મામલે ટેન્ડર સહિતની પ્રક્રિયા કરી ખર્ચ કરે છે. આથી જો ટેન્ડર બાબતે અથવા ગુણવત્તા મામલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો પણ જવાબદારી અમલીકરણ કચેરીની રહે છે. હવે અરવલ્લી જિલ્લામાં ધારાસભ્ય ધવલસિંહે શોધી કાઢેલી સમગ્ર માહિતી બાદ કરેલા ઘટસ્ફોટથી અનેક ગંભીર સવાલો ઉભા થાય છે. સરેરાશ 10 કરોડની ગ્રાન્ટના ખર્ચ બાદ પારદર્શક કામગીરી થઇ છે કે નહિ તે જોવાની જવાબદારી કોની ? અમલીકરણ કચેરીની કે પછી કમિટી ચેરમેન કલેક્ટરની ? ખૂબ ઊંચા ભાવે ખરીદી થઈ અથવા ગુણવત્તા બરાબર નહોતી તે કોણ ધ્યાન રાખે ? 10 કરોડની ગ્રાન્ટના ખર્ચ બાદ જમીની હકીકતના દ્રશ્યો ઉપરથી આ તમામ સવાલો ઉભા થઇ રહ્યા છે.