રિપોર્ટ@વડોદરા: લાયકાતનો છેદ ઉડાવી કરી ભરતી, ગ્રામ વિકાસમાં ક્લાસ 2 જેટલું મહત્વ ધરાવતાં હોદ્દાની લ્હાણી

 
Vadodra

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં વહીવટ કામગીરીનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના વડપણ હેઠળની ભરતી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવા હોદ્દા માટે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. મનરેગા એક યોજના તો કાયદો પણ છે ત્યારે આ મનરેગાના જિલ્લા કક્ષાના અધિકારીની આઉટસોર્સ મારફતની ભરતીમાં લાયકાત જોઈ પરંતુ અનુભવને દરકિનાર કર્યો છે. મનરેગાના નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર માટે કુલ 4 વર્ષનો અનુભવ જોઈએ છે પરંતુ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં હાલના ડીડીપીસી કુલ 4 વર્ષનો અનુભવ ધરાવતાં નથી. આ બાબતે ખુદ ડીડીપીસીએ ચાર વર્ષનો અનુભવ નહિ હોવાનું સ્વીકાર્યું તો વાત ડાયરેક્ટર સુધી પહોંચતાં કમિટી ઉપર ઢોળી દીધું છે. કમિટીના હેડ ડીડીઓએ જણાવ્યું કે, મને ખ્યાલ નથી છતાં તપાસ કરાવી લઉં છું. આટલું જ નહિ ગ્રામ વિકાસ એજન્સીમાં અન્ય કેટલીક ભરતીમાં પણ મનસ્વી થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  જાણો સમગ્ર અહેવાલ...

Vadodara

વડોદરા જિલ્લા પંચાયતની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં અ-પારદર્શક વહીવટનો ઘટસ્ફોટ થયો છે. તાજેતરમાં ડીડીઓ, ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓની બનેલી કમિટીએ ગ્રામ વિકાસ એજન્સી માટે જરૂરી કર્મચારી-અધિકારીઓની ભરતી કરી હતી. જેમાં આઉટસોર્સથી મનરેગા માટે નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર એટલે કે ડીડીપીસીના હોદ્દા માટે ભરતી કરી લીધી હતી. જોકે આ ભરતીમાં નિયમો નેવે મૂકી મનસ્વી ભરતી કરાઇ હોવાની બૂમરાણ બાદ તપાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. ડીડીપીસી માટે માસ્ટર સમાન ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાત અને જરૂરી સ્થળે 4 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. જોકે હાલના ડીડીપીસી સાડા ત્રણ વર્ષ જેટલો અનુભવ ધરાવે છે, એટલે કે 4 વર્ષનો અનુભવની પૂર્તતા કરતાં નથી. 

DRDA Vadodara

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ભરતીમાં લાલિયાવાડી થઈ હોવાનું જણાતાં ખુદ ડીડીપીસીએ જ ઘટસ્ફોટ કરી દીધો કે, હા 4 વર્ષનો અનુભવ નથી પરંતુ,સાડા ત્રણ વર્ષથી વધુ છે. આથી ડાયરેક્ટર મિતા જોશીને પૂછતાં જણાવ્યું હતું કે, કમિટીએ નિર્ણય લીધો છે છતાં જોવડાવી દેશું અને અયોગ્ય લાગશે તો સુધારી લેશું. જ્યારે આ તરફ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, હું ઘણીબધી કમિટીનો હેડ હોઈ બધું યાદ ના હોય છતાં તપાસ કરાવી લેઉ પછી જણાવી શકું. હવે વાત આટલે અટકતી નથી, આ ડીડીપીસી સિવાય હજી કેટલાક હોદ્દા ઉપરની ભરતીમાં પારદર્શકતાનો ગંભીર સવાલ હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે.

કર્મચારીઓ પણ પરેશાન પરંતુ કોઈ સામે આવવા તૈયાર નથી

આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રામ વિકાસ એજન્સીના એકચક્રી શાસનથી અને ઈચ્છા મુજબ થતાં વહીવટથી કર્મચારીઓમાં પણ આંતરિક ગણગણાટ છે. ઓવરટાઇમ કામ લેવું, નોકરી સિવાયના કામે લગાડવા, ગમે તેવા શબ્દોથી ધમકાવી દેવાની બૂમરાણ મચેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી તમામ ભરતી અને યોજનાની અમલવારીમાં સંપૂર્ણ પારદર્શકની તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે.