વાતાવરણ@ગુજરાત: મિશ્ર ઋતુ વચ્ચે અંબાબાલ પટેલની નવી આગાહી, આ તારીખથી અંગ દઝાડતી ગરમી

 
Ambalal

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાબાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે ગરમી લાગી રહી છે. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારમાં તેજ ઠંડા પવન ફૂંકાયા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી બે દિવસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ તેમણે ગરમી અંગે પણ મોટી આગાહી કરી છે.

હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં ગરમીને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે-ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. માવઠા જેવા માહોલથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે તેમ છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી પડી છે અને તાપમાનમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. જોકે, ઠંડી ઘટતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હજુ તો ઉનાળો શરૂ પણ થયો નથી અને મહત્તમ તાપમાન 36 ડીગ્રીએ પહોંચી ગયું છે.