બ્રેકિંગ@ગુજરાત: ફેબ્રુઆરીના અંતમાં તો પરસેવો વળશે, અંબાલાલે ગરમીને લઈ કરી મોટી આગાહી

 
Ambalal

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગનો અનુમાન છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાન યથાવત રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી લાગે છે, જ્યારે બપોર થતાં જ ઉનાળાની શરૂઆત થઈ હોય તેઓ એહસાસ થઈ રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 3થી 4 ડીગ્રી સુધી વધી ગયું છે.તાપમાન કેવું રહેશે તે પવનની દિશા પર આધાર રહે છે. પવનની દિશા બદલાતા જ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. એક સપ્તાહ પહેલા અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 27 ડીગ્રી હતું. જે વધીને 31 ડીગ્રીએ પહોંચી ગયું છે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, હાલ તો ઠંડી ઘટી રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન વધવાના કારણે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાન પણ વધી જશે. 12 અને 13 ફેબ્રુઆરીના વાદળછાયું વાતાવરણ રહેશે. 19થી 20 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી જોર પકડશે.

ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી આસપાસ પહોંચી જશે. માર્ચ મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે. જોકે, ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થતાં જ ગરમી વધી રહી છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડીગ્રી આસપાસ પહોંચવાનું અનુમાન છે. એપ્રિલ અને મે મહિનામાં તો હાથ દઝાડતો તાપ પડશે. એટલે કે જેવી ઠંડી પડી તેવી જ ગરમી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે.