ચોમાસું@ગુજરાત: ફરી વધશે વરસાદનું જોર, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદના ઝાંપટાની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે અને ઝરમર વરસાદ પણ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજે સવારે ઝાકરી વરસાદ આવ્યો છે. ઝાકરી વરસાદ એટલે ઝરમર વરસાદ. જેના કારણે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધશે. તેમજ 16થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ થશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, 20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપ સાગરનું વહન સક્રિય થતા વરસાદી ટ્રફની સ્થિતિ નજીક આવતા વરસાદ સારો થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે. જળ રાશિ ચંદ્ર રાશિ વૃષભથી કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિ જોતા વરસાદી ઝાંપટા આપી શકે. 

20 ઓગસ્ટથી વરસાદ આવશે તે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેના કારણે વરસાદ આવશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અત્યારે ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવુ અને 27 સપ્ટેમ્બર 10 ઓકટોબરમાં વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસું સમાપ્ત તરફ થઈ રહ્યું હોય તેવું ગણવામાં આવે છે. એટલે અત્યારે ઝાકરી વરસાદ આવી રહ્યો છે એટલે કે વરસાદનું જોર વધે તેવું માનવમાં આવે છે.