ચોમાસું@ગુજરાત: બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવે વધુ એક સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાના કારણે દરિયો વલોવાતો હોય તેવી સ્થિતિ બનવાની સંભાવના વ્યક્ત કરવાની સાથે સપ્ટેમ્બરમાં શું થઈ શકે છે તે અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે આગામી અઠવાડિયા બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલુ ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો છે અને તેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે આ સિસ્ટમની અસર આડકતરી રીતે ગુજરાત પર પણ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલે તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
પંચમહાલ, વડોદરા, આહવા, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ સહિતના ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે. આ વહન જબરું છે અને તેનો ઘેરાવો મોટો છે, આ વહનથી ઉત્તરપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતાઓને જોતા તેમણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેના કારણે સરદાર સરોવર ડેમનું જળ સ્તર ખાસ્સું વધવાની શક્યતાઓ છે તેવું અંબાલાલનું માનવું છે. આ સિવાય તેમણે તાપી અને નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે ઉત્તરભારતમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ કહે છે કે, બંગાળના ઉપસાગરમાં તારીખ 9મી ઓગસ્ટની આસપાસ વધુ એક સિસ્ટમ બની શકે છે. આ પછી 23 ઓગસ્ટે પણ દરિયામાં હલચલ જોવા મળશે. ઓગસ્ટમાં એક પછી એક સિસ્ટમો બન્યા કરશે. પેસિફિક મહાસાગરની ગરમી અને કેટલાક ટ્રોપિકલ સ્ટોર્મ તથા જાણ્યા-અજાણ્યા પરિબળોના લીધે સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. આ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
ચોમાસામાં વરસાદની સંભાવનાઓ સાથે અંબાલાલે ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે, ઓગસ્ટમાં ગરમીની શરુઆત થઈ જશે પરંતુ 13 સપ્ટેમ્બરથી 23મી ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતાઓ છે. નવેમ્બરમાં પણ ગરમી રહેવાની શક્યતાઓ છે. આ સાથે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને ડિસેમ્બર સુધી ચક્રવાતોની અસર રહી શકે છે.