હવામાન@ગુજરાત: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો એક જ ક્લિકે

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

લોકો અને ખાસ કરીને ખેડૂતો સારા વરસાદની આશાએ બેઠા છે. પરંતુ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમની શક્યતાઓ ઓગસ્ટના અંત સુધીમાં તો દેખાઈ રહી નથી. હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, માત્ર લોકલ સિસ્ટમના કારણે વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગે લાંબા ગાળાનુ પૂર્વાનુમાનમાં પહેલા જ જાહેર કર્યુ હતુ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાનો છે. હાલની સ્થિતિ જોતા લાગે છે કે ઓગસ્ટ મહિનાનુ પૂર્વાનુમાન સાચું પડ્યું છે. ઓગસ્ટમાં 159 મિલીમીટર વરસાદ સરેરાશ નોંધાવો જોઈએ પરંતુ માત્ર 18 મિલીમીટર વરસાદ નોધાયો છે. એટલે કે આ ગાળામાં ખુબ જ ઓછો વરસાદ થયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય, મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડશે. પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે. કારણ કે 31 ઓગસ્ટ આસપાસ હોંગકોગ બાજુ બનતુ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. જેના કારણે ભારતના ચોમાસાને નબળું કરતું જણાશે. આ સાથે ચક્રવાત 3થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવવાની શક્યતા રહેશે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી આવતા સ્ટોર્મ ભારતના હવામાનને પ્રભાવિત કરી શકે તેવુ અનુમાન છે.

રાજ્યમાં 1 ઓગસ્ટથી વરસાદે વિરામ લીધો છે અને ત્યાર બાદ ભેજવાળું વાતાવરણ રહે છે. આ સાથે તાપમાન ઊંચુ આવી રહ્યુ છે. ભેજ અને ઊંચા તાપમાનના કારણે બફારાનો અહેસાસ થાય છે. જોકે અમુક વિસ્તારમાં વાદળ છાયુ વાતાવરણ છે. તો અમુક વિસ્તારમાં તડકો છે. છેલ્લા 23 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થયો છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધશે.