બ્રેકિંગ@ગુજરાત: અંબાલાલ પટેલની મોટી આગાહી, આવી રહ્યું છે મજબૂત વાવાઝોડું, 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્ય પરથી એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઇ રહી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે સમુદ્ર તરફ આગળ વધશે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે અંબાલાલ પટેલે વધુ એક અતિ મહત્વની આગાહી કરી છે. તેમણે ખૂંખાર વાવાઝોડાની આગાહી કરી છે, જે બંગાળના ઉપસાગરમાં સર્જાશે. આગામી ટૂંક સમયમાં જ આ મજબૂત વાવાઝોડું સર્જાશે. તેની ગુજરાત પર શું અસર થશે, તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપરસાગરમાં ચક્રવાત બનતા હોય છે, પરંતુ આ વખતે 4થી 12 ઓક્ટોબરમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જ્યારે 4થી 14 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ભારે મજબૂત ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે. ધીમે-ધીમે આ સિસ્ટમ મજબૂત થશે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરની આસપાસ થાઇલેન્ડ, વિયેતનામની આજુબાજુમાં સિસ્ટમ સર્જાતી જોવા મળશે. 12મી ઓક્ટોબરની આસપાસ આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. જ્યાં આ સિસ્ટમ મજબૂત બનશે.
તામિલનાડુના ભાગોમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે. આ સિસ્ટમના લીધે દક્ષિણ-પૂર્વીય તટ ઉપર ભારે વાવાઝોડું ફૂંકાશે. લગભગ 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદ આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદની વાત કરીએ તો હાલની વરસાદની સિસ્ટમ ધીમે-ધીમે સમુદ્ર તરફ ખસતી જણાશે. 20 તારીખ સુધીમાં બનાસકાંઠાના થરાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ આગળ વધતાં મહેસાણા, પાટણના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે.
પાટણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદમાં વરસાદની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. પોરબંદર ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. રાપરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે, જખૌ, મુદ્રા, માંડવી, નખત્રાણા અને દરિયામાં વરસાદ થવાની સંભાવના રહેશે. કચ્છ ઉપરાંત મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે.