બ્રેકિંગ@ગુજરાત: અંબાલાલની મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે આંધી-વંટોળ અને વાવાઝોડાની અસર થશે

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં મે મહિનાથી આંધી અને વંટોળનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આંધીની આગાહી કરવાની સાથે તાપમાનમાં ઘટાડો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં વરસાદની આગાહી છે, પરંતુ તેનું જોર માર્ચમાં પડેલા કમોસમી વરસાદ જેવું નહીં હોય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે.
અંબાલાલ પટેલે એપ્રિલ માસમાં પણ રાજ્યના કચ્છ સહિતના ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ પછી મેમાં આંધી-વંટોળનું જોર ઘણું વધવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પણ શનિવારે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. જેમાં ઘરના બારી-બારણા બંધ રાખવાની સાથે વરસાદ દરમિયાન બહાર બહાર ના નીકળવા માટે જણાવ્યું હતું.
અંબાલાલ પટેલે આગામી મહિને આંધી-વંટોળનું જોર ઘણું વધવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, 8મી મેથી એક મહિના સુધી એટલે કે 8 જૂન સુધી આંધી-વંટોળનું પ્રમાણ વધારે રહેશે. અરબી સમુદ્રમાં પણ ગરમીનું પ્રમાણ વધશે તો લગભગ 25મી મેથી 10મી જૂન દરમિયાન સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતાઓ છે. જેનો માર્ગ લગભગ ઈરાન કે ઓમાન તરફ અથવા તો ગુજરાત વધી શકે છે. અરબી સમુદ્રનું પાણી ગરમ થાય તો જ આમ થવાની શક્યતાઓ રહેલી છે તેમ અંબાલાલ પટેલ જણાવે છે. જો આમ થાય તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.