અપડેટ@હિંમતનગર: સિવિલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી મળી આવી, અંતે ચોર ઝડપાયો
અટલ સમાચાર, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી ધોળા દિવસે એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. થોડા સમય બાદ ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી.
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી એમ્બ્યુલન્સ 15 મિનિટમાં ચોરી કરીને લઈ જતો જોવા દેખાયો હતો. એમ્બ્યુલન્સ ચોરાયાનું માલુમ થતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર શરદ બોડાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
ઘટનાના ત્રીજા દિવસે આ આ એમ્બ્યુલન્સ અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે GPSની મદદથી એમ્બ્યુલન્સને શોધી કાઢી હતી. આ સાથે એમ્બ્યુલન્સને ચોરી કરનાર શખ્સની પણ અટકાયત કરી છે. આ આરોપી ગાંધીનગરના બોરીસણા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.