રિપોર્ટ@ગુજરાત: કોરોના કેસને લઈ સરકારની સલાહ વચ્ચે AMC કાંકરિયા કાર્નિવલની તૈયારીમાં વ્યસ્ત

 
Kankriya

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ સહિત દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા છે છતાં મહાપાલિકા તંત્ર કાંકરિયા કાર્નિવલ આયોજીત કરવા જઈ રહી છે. અમદાવાદની મહાપાલિકા તંત્ર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને જાણે ઘોળીને પી જતુ હોય તેમ દેખાઈ રહ્યું છે. એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે. મહાપાલિકા સંચાલિક SVP હોસ્પિટલમાં 50 બેડ સાથેનો કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. સાથે જ કોરોના સંક્રમિત દર્દીનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવાનું આયોજન થઈ રહ્યુ છે. તો બીજી તરફ મહાપાલિકા તંત્ર કાંકરિય કાર્નિવલની તૈયારીમાં લાગ્યુ છે. તંત્ર કોરોનાને નાથવા માટે રેન્ડમ ટેસ્ટિંગ પણ શરૂ કર્યા છે.

કાંકરિયા કાર્નિવલમાં કિર્તીદાન ગઢવી, દિવ્યા ચૌધરી, યોગેશ ગઢવી, પાર્થ ઓઝા, શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા સહિતના કલાકારો કાર્યક્રમ કરવાના છે. કાંકરિયા કાર્નિવલમાં રૂ. 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ 7 કેસો આવી ગયા છે, આ તમામ દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

પ્રશ્ન એ છે કે જો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અને કેસોમાં સતત વધારો થશે તો જવાબદાર કોણ? શું આ સ્થિતિમાં કાર્નિવલનો કાર્યક્રમ યોજાશે કે નહીં?. સરકાર આ મુદ્દે મનોમંથન કરશે કે કેમ તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું, બીજી તરફ પાટનગરમાં વાઈબ્રન્ટ ગુજરાતની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પણ સંખ્યાબંધ મહેમાનો આવશે.