એલર્ટ@અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટને લઈ રેન્ડમ ટેસ્ટ કરશે AMC, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના વાઈરસના નવા વેરિયન્ટ JN.1 ને લઈ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગને એલર્ટ મોડ પર મુકવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીના પગલે અમદાવાદમાં પણ રેન્ડમ ટેસ્ટ કરવા તંત્ર તરફથી કવાયત શરુ કરાઈ છે. વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાત સહિતના રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદમાં પણ કોરોનાના સંભવિત આક્રમણ સામે મ્યુનિ.ના હેલ્થ વિભાગને સતર્ક કરવામાં આવ્યુ છે. મ્યુનિ.તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આગામી સમયમાં શહેરમાં જયાં ભીડ વધુ થતી હોય એવા સ્થળોએ પણ મ્યુનિ.તંત્ર તરફથી રેન્ડમ ટેસ્ટ કરાશે. લાંબા સમય બાદ ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને દર્દીઓ દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યાં હતા. હાલ આ બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જે રિપોર્ટ આવ્યાં બાદ વેરિએન્ટની જાણકારી મળશે.