રાજનીતિ@સાબરકાંઠા: સાબરડેરીની ચૂંટણીમાં સુધારેલા પેટાકાયદાથી ઉમેદવારો અવઢવમાં, જાણો શું છે મામલો ?

 
Sabar Dairy Election

અટલ સમાચાર, ડેસ્ક

સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે દરેક વિભાગમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોએ ઉમેદવારીપત્રો લીધા બાદ તેમાં જણાવાયેલી વિગતોની પૂર્તતા કરવા માટે ઉમેદવારોને નવા સુધારેલા પેટાકાયદા મુજબ કેટલીક વિગતો મેળવવા માટે સાબરડેરીના અધિકારીઓ પાસે જવું પડે છે. જોકે અધિકારીઓ પણ સત્વરે વિગતો આપી રહ્યા છે.

સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ 16 ઝોનમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોએ ઉમેદવારીપત્રોમાં એવી વિગતો રજૂ કરવી પડે છે કે તેમણે દર મહિને, વાર્ષિક તથા સરેરાશ કેટલું દૂધ સ્થાનિક મંડળીના માધ્યમથી સાબરડેરીમાં મોકલી આપ્યું છે. તેની વિગતો લેવા માટે ઉમેદવારોને સાબરડેરી જવું ફરજીયાત બની ગયું છે. જ્યાં સક્ષમ અધિકારી ધ્વારા જે-તે ઉમેદવારની માસિક, વાર્ષિક અને સરેરાશ દૂધની વિગતો અપાયા તે પછી ઉમેદવારીપત્રોમાં નોંધ કરવી પડે છે.

જો ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર અધૂરી વિગતો સાથેનું ઉમેદવારીપત્ર રજૂ કરે તો તે અમાન્ય ગણાય છે. જેથી નવા સુધારેલા પેટાકાયદાનો અમલ ફરજીયાત કરવો પડે છે. અગાઉ સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાતી હતી. ત્યારે તે વખતે સ્થાનિક મંડળીઓ અને સાબરડેરી પાસે કમ્પ્યુટર સજ્જ વિગતો ઉપલબ્ધ ન હતી. જેથી તે સમયે ડેરીના કર્મચારી જે-તે મંડળીમાં જઈને વિગતો મેળવતા હતા.

પરંતુ હવે સમગ્ર કામગીરી ઓનલાઈન થઈ ગઈ હોવાને કારણે ઉમેદવાર ધ્વારા સાબરડેરીના સક્ષમ અધિકારીનો સંપર્ક કરી વિગતો મેળવી રહ્યા છે. તે પછી પણ કેટલીક વિગતો ઉમેદવારીપત્રોમાં રજૂ કરવાની હોવાથી ઉમેદવારને ગડમથલ કરીને દોડાદોડ કરવી પડે છે. આગામી દિવસોમાં યોજાનાર સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ ધ્વારા મેન્ડેટ આપવાની પ્રથા અમલી બનાવાઈ છે. ત્યારે આ વખતે પ્રદેશ સંગઠનના પદાધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લીમાંથી વિગતો મેળવીને અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે.