ઘટના@સુરેન્દ્રનગર: ભારે વરસાદ વચ્ચે નદી કાંઠે ગઢની દીવાલ ધરાશાઇ, વાંસલ ડેમ નજીકના વિસ્તારોમાં એલર્ટ
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વચ્ચે દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. ચુડામાં નદી કાંઠે ગઢની દીવાલ તૂટતા દોડધામ મચી જવા પામી હતી. ચુડામાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી બાજુ ચુડાનો વાંસલ ડેમ પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, જ્યારે પાણીની આવક વધતા વાંસલ ડેમ નજીકના વિસ્તારોમાં અલર્ટ કરાયા છે.
વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ જમાવટ કરી છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજપીપલા, સાગબારા, ડેડીયાપાડા, તીલાકવાડામાં મેઘમહેર જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે વલસાડમાં ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ફરી એક વખત મેઘમહેર થતાં ખેતીના પાકને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.
નોંધનીય છે કે, રાજ્યમાં ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.