કાર્યક્રમ@અમદાવાદ: તિરંગા યાત્રામાં સામેલ થયા અમિત શાહ, જાણો શું કહ્યું ?

 
Amit Shah

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્મંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રા પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને એક બહુ જ ઉમદા ભાવ સાથે જનતા સામે રાખ્યું છે. 1857 થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ.

આપણને આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં. કેટલાય વીર સપૂતો અને ક્રાંતિકારીઓ યુદ્ધના મેદાનમાં વીરગતિ પામ્યા હતા. ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી, તેમના બલિદાન આપણી આવનારી પેઢી અને દેશ માટે જીવન જીવવાના સંસ્કાર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, લોકતંત્રની જનની એવો આપણો દેશ આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશ્યો છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોમાં દેશભક્તિનો જુવાળ ઊભો કર્યો છે. વડાપ્રધાને 15 ઓગસ્ટ 2023 થી 15 ઓગસ્ટ 2047 સુધી આઝાદીનો અમૃતકાળ ઉજવવા માટે આહવાન કર્યું છે.

દેશના 75 થી 100 વર્ષની આ યાત્રામાં આપણે સૌ દેશવાસીઓ દેશને દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આ અમૃતકાળ યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનો છે. 90 વર્ષ સુધી યુવા પેઢીએ આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો હતો. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' બનાવવા માટે સમર્પિત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

'હર ઘર તિરંગા' અને 'મારી માટી, મારો દેશ' અભિયાન અંગે વાત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનમાં દેશમાં આબાલવૃદ્ધ સૌ કોઈ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા હતાં. આજે તિરંગા સાથે અહીં ઉપસ્થિત વિશાળ જનમેદની જોઈને 'મારી માટી, મારો દેશ' અભિયાન પણ સફળ થતું દેખાઈ રહ્યું છે.