નિવેદન@દેશ: અદાણીને લઈ પ્રથમવાર બોલ્યા અમિત શાહ, કહ્યું ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ નથી

 
Amit Shah

અટલ સમાચાર, ડેસ્ક

ગૌતમ અદાણીને ભાજપનું ફેવર મળવાના કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ મામલામાં છુપાવાનું કે ડરવાની કોઈ વાત નથી. અમિત શાહે ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં સંજ્ઞાન લીધું છે. કેબિનેટના સભ્યો હોવાના નાતે આ સમયે આ મુદ્દા પર મારે કંઈ બોલવું યોગ્ય નથી. પણ તેમાં ભાજપ માટે છુપાવા જેવું કંઈ નથી અને ડરવાની પણ કોઈ વાત નથી. હિંડનબર્ગ-અદાણી વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટી પર વિપક્ષના સતત પ્રહારોની વચ્ચે અમિત શાહે મૌન તોડ્યું છે.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટે એક મોટા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. જે બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિરુદ્ધ પક્ષપાત અને ક્રોની મૂડીવાદનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દા પર સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે આ સમગ્ર મામલામાં સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માગ કરી છે. જ્યારે ભાજપે આ મામલામાં વિપક્ષના તમામ પ્રહારનો વળતો જવાબ આપ્યો છે. અદાણી વિવાદ સહિત કેટલાય મુદ્દા પર વિપક્ષી નેતાઓએ સંસદની કાર્યવાહીમાં વારંવાર અડચણો ઊભી કરી છે.


કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપ દ્વારા સંસ્થાઓ પર કબ્જો કરવાના આરોપ વિશે પુછતા શાહે કહ્યું કે, તેમના આ મુદ્દાને જોતા કોર્ટ જવું જોઈએ કે કોર્ટ ભાજપના પ્રભાવમાં નથી. શાહે જણાવ્યું કે, કોર્ટ અમારા કબ્જામાં નથી, તેઓ કોર્ટમાં કેમ નથી જતાં? ત્યાં સુધી કે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે પણ મેં કહ્યું હતું કે, પુરાવા સાથે કોર્ટમાં જાઓ. તે ફક્ત હોબાળો કરવાનું જાણે છે. જે લોકોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કોર્ટે પેગાસસનું સંજ્ઞાન લીધું અને નિર્ણય પણ આપ્યો, તપાસ પણ કરવામાં આવી હતી.