બ્રેકિંગ@ગુજરાત: અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો ભાવ વધારો, છ મહિનામાં બીજી વખત થયો ભાવ વધારો

 
Amul milk

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં છ મહિનામાં બીજી વખત ભાવ વધારો કરાયો છે. મહત્વનું છે કે, અમૂલ દૂધનીતમામ બ્રાંડની કિંમત વધી છે. અમૂલના દૂધમાં છ મહિનામાં બીજી વખત આ મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ2 ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

રાજ્યમાં હવે નવા ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બીજી તરફ ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરાઈ હતી.