કરુણતા@કડી: માતા-પિતા અમદાવાદ હતા અને ઘરે 18 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત
અટલ સમાચાર, ડેસ્ક
કડી પાલિકા સામે આવેલી જય રણછોડ સોસાયટીમાં રહેતો અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 18 વર્ષીય કિશોર મંગળવારે સાંજના સમયે પરીક્ષા આપી ઘરે આવ્યા બાદ સોસાયટીના કોમનપ્લોટમાં મિત્ર સાથે બાંકડા ઉપર બેઠો હતો, ત્યારે હાર્ટએટેક આવતાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ઉલ્લેખનિય છે કે, કડી શહેરમાં છેલ્લા 15 દિવસમાં હાર્ટ એટેકથી મોતની બીજી ઘટના છે.
વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામના અને વ્યવસાય અર્થે વર્ષોથી કડીમાં થોળ રોડ સ્થિત જય રણછોડ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મિસ્ત્રી મંગળવારે પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં અમદાવાદ ગયા હતા. જ્યારે તેમનો 18 વર્ષીય એકનો એક પુત્ર સંકેત કે જે નાનીકડી મેઘના કેમ્પસમાં આવેલી ડિપ્લોમા કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો, જે મંગળવારે પરીક્ષા હોઈ ઘરે હતો. કોલેજમાં પરીક્ષા આપી સાંજના સમયે ઘરે આવી મિત્ર સાથે સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા ઉપર બેઠો હતો.
આ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સંકેતના પિતા અશોકભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, અમે અમદાવાદ હતા અને તેણે ફોન કરી જમવાનું પૂછતાં અમે વહેલું મોડું થશે તું જમી લેજે તેમ કહ્યું હતું. બાદમાં આ ઘટના બની હતી. તેને કોઈ બીમારી નહોતી. ડૉ.આનંદ પટેલે જણાવ્યું કે, દવાખાને લાવ્યા ત્યારે જ હાર્ટના ધબકારા બંધ થઈ ગયેલા હતા. સીપીઆર આપી છતાં ફરીથી હ્રદય ધબકતું થયું જ નહીં.