રિપોર્ટ@દાહોદ: મનરેગામાં પણ વહીવટદાર ? આખા જિલ્લામાં કોણ કરી રહ્યું ઉઘરાણી, બળિયો બન્યો બાહુબલી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તમે ક્યારેક પોલીસ વિભાગમાં વહીવટદાર શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું મનરેગામાં પણ વહીવટદાર હોય છે ? આ સવાલ દાહોદ જિલ્લા મનરેગામાં ઉછળી રહ્યો છે. કરોડો અબજો રૂપિયાના મનરેગાના કામો થઈ રહ્યા પરંતુ પારદર્શકતાનો સૌથી ગંભીર સવાલ છે. સાંભળવામાં આવ્યું છે કે, દાહોદ જિલ્લામાં એક ઈસમ એવો જાડી ચામડીનો બની બેઠો છે કે, મનરેગાની ડાહી વાતો કરીને આખા જિલ્લામાં ઉઘરાણા સિવાય કોઈ મતલબ નથી રાખતો, કોણે આ ઈસમને આખા જિલ્લામાં ઉઘરાણાનો ઠેકો આપ્યો તે પણ સવાલ છે. મનરેગા યોજના સાથે એક કાયદો છતાં કામમાં લાલિયાવાડી કરીને મોટા પ્રમાણમાં બેરોકટોક ઉઘરાણું કટકી અને સેટિંગ્સ થઇ રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી અનેક ગામોમાં સરપંચો, પદાધિકારીઓ અને ગામના જાગૃત લોકો નારાજ છે પરંતુ આ ઈસમને એવી કૃપા છે કે, મામલો બહાર આવે તે પહેલાં દબાઇ જાય છે. જાણો સ્પેશિયલ રિપોર્ટમાં....

દાહોદ જિલ્લામાં ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારે જાણે લોકો માટે કરીને મોટાપાયે ગ્રાન્ટની સરવાણી વહાવી છે. સ્માર્ટ સીટી તો ખરી પરંતુ સ્માર્ટ ગામડા પણ એકસાથે થઈ શકે તેવા અભિગમથી મોટા પ્રમાણમાં મનરેગાના કામો હેઠળ ગ્રાન્ટ અપાઇ રહી છે. વર્ષે અનેક અબજો રૂપિયા મનરેગા હેઠળ ફાળવવામાં આવી રહ્યા છે પરંતુ આ કરોડો અબજો રૂપિયા શું જોગવાઈ મુજબ અને પારદર્શક રીતે ફળ આપી રહ્યા છે ? હકીકતમાં દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીથી માંડીને ગામડાં સુધી આખી મનરેગાની ચેનલ છે ત્યારે અબજો રૂપિયાના કામોમાં મોટાપાયે કટકીનુ સેટિંગ્સ એક બળિયાએ ગોઠવ્યું છે. આ બળિયો એટલો બાહુબલી છે કે, આખા જિલ્લામાં મનરેગાનો વહીવટ પાર પાડી રહ્યો છે. ભલે ડીડીઓ અને નિયામક બદલાઇ જાય પરંતુ આ બળિયાનો દબદબો યથાવત છે. બળિયો ક્યાંથી આવ્યો અને કોની છે કૃપા......

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા મનરેગા સાથે સંકળાયેલા કોઈ એવા નથી કે, આ બળિયાને જાણતાં ના હોય. જો આ બળિયાના કાંડ તપાસવા હોય તો, બળિયો કોને અને ક્યારે મળે છે, કોને સુચના આપે છે કે અપાવે છે, બળિયાની ફરજ દરમિયાનની ગતિવિધિ અને બળિયાની આવકના પ્રમાણમાં શું કોઈ ગેરકાયદેસર વધારો છે ? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ થાય અને સામે તે તાલુકાના તે ગામોમાં સદર કામોની ગુણવત્તાની ચકાસણી થાય તો બળિયાના કાંડ બહાર આવે તેમ છે. વાત એટલા સુધી છે કે, બળિયાના કાંડ છેક ગાંધીનગરની વડી કચેરીના મિત્રોને પણ પહોંચી અને ત્યાંથી દુશ્મનો સુધી પણ બળિયાની વહીવટદારની આવડતની ઝલક પહોંચી છે છતાં બળિયો બેરોકટોક ઉઘરાણું ચલાવી રહ્યો છે.
અનેક છે નારાજ ?
આખા દાહોદ જિલ્લામાં મનરેગાના કામો સચોટ કરવાને કે કરાવવાને બદલે બળિયા ઉપર કોઈના ચારહાથ છે. આ વાત જાણી ગયા બાદ મનરેગાના લાલિયાવાડી ભર્યા કામો જોઈ નારાજ ગામનાં ભલભલા દિગ્ગજ પણ હાથમાં હાથ ધરી બેસી ગયા છે. આટલા હદે ચોંકાવનારી સ્થિતિ છતાં બળિયાની વહીવટદારની ભૂમિકા અટકતી નથી એ હકીકત છે.
લોકપાલ છતાં આ સ્થિતિ ?
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના માટે સ્પેશિયલ લોકપાલ તો છે પરંતુ હોદ્દા પૂરતાં સમજી શકો છો. લોકપાલ પાસે ખાસ કોઈ ફાઇલો નથી આવતી, કોઈ બૂમરાણ જ નથી આવતી તો લોકપાલ પણ ક્યારેક જિલ્લામાં વિઝીટ કરી ચમચમાતી સરકારી ગાડીમાં ઓફિસ આવી જાય છે. સૌથી મોટી વાત છે કે, દાહોદ જિલ્લામાં બહું ઓછાં જોબ કાર્ડ ધારકોને ખબર છે કે, લોકપાલ છે અને તેમની મોટી જવાબદારી પણ છે. જો આ બાબતની મોટાપાયે જાગૃતિ ઉભી કરવામાં આવે તો ફરિયાદોનો ઢગલો થાય તેમ છે.