ઘટસ્ફોટ@પાવાગઢ: સરેરાશ અડધા કરોડનો હિસાબ શંકાસ્પદ, ગેરરીતિ આવશે તો સરપંચ સહિતનાને રેલો શક્ય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
યાત્રાધામ પાવાગઢ જ્યાં આવે છે તે પાવાગઢ ગ્રામ પંચાયતનો છેલ્લા કેટલાક વર્ષોનો વહીવટ હવે તપાસ હેઠળ આવ્યો છે. ગત દિવસે જે તલાટી સસ્પેન્ડ થયા તે નોકરીના સ્થળે ગેરહાજર હતા એટલા પૂરતું કારણ નથી. સરેરાશ 10થી વધુ મુદ્દા અને ખાસ કરીને નાણાંકીય, વહીવટી રેકર્ડ નિભાવણી નહિ થયાનું સૌથી મોટું કારણ છે. જિલ્લા પંચાયતે વારંવાર રેકર્ડ માંગણી કરી પરંતુ તલાટીએ બહાના બતાવી રાખ્યા, આખરે નાણાંકીય ગેરરીતિની આશંકા જતાં તલાટીને સસ્પેન્ડ કર્યા છે. હવે તાલુકા, જિલ્લા પંચાયત અને વિવિધ હેડની ગ્રાન્ટ/આવકનો ખર્ચ ગંભીર રીતે શંકાસ્પદ બન્યો છે ત્યારે કમિટી બનાવી જિલ્લા પંચાયતે તપાસ કરવાની તૈયારી કરી છે. જેમાં નાણાંપંચની રકમનું રેકર્ડ પણ તપાસમાં આવવાનું હોવાથી સરપંચ સહિત અનેકને રેલો આવે તેવી શક્યતા છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની પાવાગઢ (ચાંપાનેર) ગ્રામપંચાયતની મુલાકાતે ગયેલા ડેપ્યુટી ડીડીઓને ફરજમાં ચોંકાવનારો અનુભવ થયો હતો. તલાટી ચૌધરી ફરજ ઉપર ગેરહાજર તો હતા, સાથે સાથે બહાના બતાવી ગેરમાર્ગે દોરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પાવાગઢ ચાંપાનેર ગ્રામપંચાયતનુ છેલ્લા 3 વર્ષનું રેકર્ડ ઉપલા અધિકારી માંગી રહ્યા હતા. જોકે તલાટી કમ મંત્રી ચૌધરી રેકર્ડ આપવામાં બહાનાં બતાવતાં હોવાથી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. અનેક મુદ્દે ગેરકાયદેસર માલૂમ પડતાં નિમણૂંક અધિકારી એવા ડેપ્યુટી ડીડીઓ મકવાણાએ પાવાગઢ (ચાંપાનેર) ગ્રામ પંચાયત તલાટી ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પછી ગ્રામ પંચાયતમાંથી કેટલુંક રેકર્ડ પણ કબ્જે કરી લીધું હતું. જોકે હજુસુધી તલાટી ચૌધરી અને સરપંચના કાર્યકાળનુ રેકર્ડ નહિ મળતાં ગંભીર સવાલો ઉભા થયા છે. આથી જિલ્લા પંચાયતે તાત્કાલિક અસરથી એક કમિટી બનાવી ટૂંક સમયમાં રેકર્ડ મેળવણી કરી તપાસ હાથ ધરવાની તૈયારી કરી છે.

સમગ્ર મામલે ડેપ્યુટી ડીડીઓ મકવાણાએ જણાવ્યુ હતુ કે, તલાટી ચૌધરી રેકર્ડ આપતાં નહોતા, આથી વિવિધ સરકારી રકમ અને આવકનો ક્યાં કેટલો અને કેવી રીતે ખર્ચ કર્યો તેની વિગતો મળતી નથી. આથી હવે અમે જિલ્લા પંચાયત તરફથી આપેલી અને અમારા જાણ મુજબની ગ્રાન્ટ અને વિવિધ હેડની ગ્રાન્ટનુ મેળવણી કરી તપાસ કરીશું. એકમાત્ર નાણાંપંચની રકમ જોઈએ તો પણ સરેરાશ અડધા કરોડનો હિસાબ તપાસવાનો છે. હવે તપાસ ટીમ નાણાંપંચ સહિતની સરકારી રકમનો હિસાબ ફંફોળશે ત્યારે સરપંચની જવાબદારી બનતી હોઈ અનેકને તપાસની અસર લાગી શકે છે. આ બાબતે ડેપ્યુટી ડીડીઓ મકવાણાએ જણાવ્યુ હતુ કે, જો સરપંચની જવાબદારી આવતી હોય અને નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા કે ઉચાપત જણાશે તો કાર્યવાહી થશે.