દુ:ખદ@સુરત: ઇલેક્ટ્રિક હિટરથી પાણી ગરમ કરતા લાગ્યો કરંટ, માસૂમ બાળકનું મોત
અટલ સમાચાર સુરતના સગરામપુરા તલાવડી વિસ્તારમાં માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોલમાં ઇલેક્ટ્રિક હિટરથી પાણી ગરમ કરતી વેળાએ માસૂમ બાળકે ડોલમાં હાથ નાખતા કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. 8 વર્ષનો મોહમ્મદ આકીબ ધોરણ-3 નો વિદ્યાર્થી અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પિતાએ કહ્યું, બસ વાળ કપાવીને આખા પરિવારને બાઇક પર રાઉન્ડ મરાવવા લઈ જવાનો હતો. ફોન આવતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સગરામપુરા તલાવડી વિસ્તારમાં માસૂમ વિદ્યાર્થીના મોત મામલે પિતા મોહમ્મદ આરીફ શેખએ કહ્યું કે, ઘટના રવિવારની રાત્રે 9:30 વાગ્યાની હતી. હું કામ પરથી ઘરે આવ્યા બાદ આકીબને લઈ વાળ કપાવવા ગયો હતો. જયાંથી એ મારી પાસે 10 રૂપિયા લઈ ઘરે પરત આવી ગયો હતો. બસ થોડીવારમાં ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આકીબને કરંટ લાગ્યો છે. દોડીને ઘરે ગયો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરી દેવાયો હોવાનું સાંભળી શોકમાં સરી પડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આકીબ બે દીકરીઓ પર એકનો એક દીકરો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. રવિવારની રજામાં બાઇક પર રાઉન્ડ મરાવવા લઈ જવાનું આયોજન કર્યું હતું. બસ તૈયાર થઈ બહાર ફરવા જવાની કેટલીક મિનિટો પહેલા જ દુર્ઘટના બની હતી. નાની દીકરીએ કહ્યું હતું કે ભાઈ પાણી ભરેલી ડોલમાં હાથ નાખતા જ ઢળી પડ્યો હતો. જેથી મમ્મી ને બૂમ પાડી બોલાવી હતી. પાણી ગરમ કરવા ડોલમાં ઈલેક્ટ્રીક હીટર નાખ્યું હતું.