લાઇવલીહુડ@ગાંધીનગર: ફરજમાં બેદરકારીથી છૂટાં થયેલા કર્મચારીને ભલામણથી પરત લીધો, આ કેવી ભલામણ ❓

 
Dahod

અટલ સમાચાર ડોટ, ગાંધીનગર

રાજધાની ગાંધીનગર પણ ઘણીવાર કમાલ કરી બતાવે છે, પણ હા કમાલ કમાલ માં ફર્ક હોય છે. આવી જ એક કમાલ બતાવતી ઘટનાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. કરાર આધારિત જિલ્લા કક્ષાના કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ છૂટાં કરવામાં આવ્યા પરંતુ ગણતરીના દિવસોમાં પાછાં લઈ લીધાં હતા. ફરજમાં નિષ્કાળજી સાબિત કરી વડી કચેરીના અધિકારીએ અને ફરજ સમાપ્ત કરવાનો હુકમ કરી દીધો. જોકે આ હુકમે એવી દોડધામ મચાવી કે, ગાંધીનગરના જ એક અધિકારીએ ભલામણ કરી કે, પાછો લો આ ભાઇને હવે સરસ ફરજ બજાવશે. હવે સવાલ એ થાય છે કે, ફરજમાં બેદરકારીથી છૂટાં થયેલાં કર્મચારીને ભલામણથી પાછાં લેવાય ? આવી ભલામણ પણ કરાય ? આ કેવી ભલામણ કે, હવે સુધરી જશે. આ ઘટનાથી હવે વિવિધ કારણોસર અગાઉ છૂટાં થયેલાં કર્મચારીઓમાં આ ભલામણ શોધવાનો અને ભલામણ લગાવવાનો સળવળાટ જાગ્યો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....

ગુજરાતના ગાંધીનગર જિલ્લા પંચાયતની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ શાખા ચાલે છે. જેની વડી કચેરી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગણાય છે. આ કંપનીના કરાર આધારિત કર્મચારી એવા જીલ્લા લાઇવલીહુડ મેનેજર ગાંધીનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા હોય છે. આ લાઇવલીહુડ મેનેજર તરીકે જીતેન પારેખને છૂટાં કર્યા અને પાછાં લીધાનો ઘટનાક્રમ જાણીએ. જીએલપીસીના જીલ્લાવાર લક્ષ્યાંક વર્ષ 2022-23 મુજબ ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીએલએમ જીતેન પારેખને પણ જવાબદારી હતી. જો આ લક્ષ્યાંક સામે સંતોષકારક કામગીરી નહિ થાય તો છૂટાં કરવાની ચેતવણી પણ વડી કચેરીએ આપી હતી. આ પછી જીતેન પારેખની કામગીરીની સમીક્ષા થઈ તો લક્ષ્યાંક સામે સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી. 

Gadhinagara

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 20 જાન્યુઆરીએ ગાંધીનગર ડીએલએમ જીતેન પારેખને કારણદર્શક નોટિસ ફટકારી વડા અધિકારીએ ખુલાસો પુછ્યો હતો. જોકે જીતેન પારેખને ખુલાસો તો કર્યો પરંતુ ડીડીઓ મારફતે રજૂ થયેલો ખુલાસો ગ્રાહ્ય રહ્યો નહોતો. આથી જાહેર અને વહીવટી હિતમાં જીએલપીસીના એમડીએ જીતેન પારેખની સેવા સમાપ્ત કરી જે તે એજન્સીને જાણ કરવા કહી દેવાયુ હતું. હવે ઘટનાક્રમની રોચક વાત અહિંથી શરૂ થાય છે. જીએલપીસીના એમડી એટલે આઇએએસ અને આ એમડીનો હુકમથી જીતેન પારેખ છૂટાં તો થયા પરંતુ પછી કંઈક એવી દોડધામ થઇ કે, વડી કચેરીએ પાછાં લેવાય પડ્યા. ગાંધીનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલે ભલામણ કરી કે, આ જીતેનભાઇને પાછાં લ્યો હવે સારું કામ કરશે. આ ભલામણ થઈ એટલે જીતેનભાઇ ફરીથી જીલ્લા કક્ષાના કર્મચારી બની ગયા છે. આ ભલામણ કેવી કે, છૂટાં થયેલાને પાછી નોકરી મળી જાય એવી શોધખોળ હવે છૂટાં થયેલાં અનેક કર્મચારીઓ શોધી રહ્યા છે.

શું કહે છે, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલ ?

સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલને પૂછતાં જણાવ્યું હતું કે, હા, એમડીએ જ છૂટાં કર્યા હતા પરંતુ મેં ભલામણ કરી તો પરત લીધા છે. મેં ભલે ભલામણ કરી પરંતુ નિર્ણય તો એમડીએ લેવાનો હોય છે ને. 

આટલી વાતથી વિષયમાં ગંભીરતા વધી જતાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને ફોન કર્યો પરંતુ અનેક કોલ કરવાં છતાં તેમણે ફોન રિસીવ કર્યો નહોતો.