ગંભીર@સંતરામપુર: પ્રાંત કચેરીનો કર્મચારી 70હજારની લાંચ લેતાં ઝબ્બે, કોની સુચનાથી પૈસા પડાવતો, જાણો રિપોર્ટ

 
Santalpur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં ઘણાં દિવસો પછી એસીબીએ મોટી કાર્યવાહી પાર પાડી છે. પ્રાંત ઓફીસમાં એસીબીની સફળ ટ્રેપને પગલે સમગ્ર મહેસૂલી આલમમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાંત કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર અધધધ...70 હજારની લાંચ તેના વચેટિયા મારફતે લેતા પકડાઇ ગયો છે. હવે સવાલ એ થાય છે કે, આ કોમ્પ્યુટર ઓપરેટર પણ વચેટિયો રાખતો અને કોના કહેવાથી ખેડૂતો પાસેથી તોડ કરતાં હતાં તે તપાસનો વિષય બન્યો છે. એસીબીએ ડાયરેક્ટ પ્રાંત કચેરીમાં રેડ કરતાં આરોપી કોમ્પ્યુટર ઓપરેટર સાથે કચેરીના મુખ્ય અધિકારી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભ્રષ્ટાચારી વિરુદ્ધની લડાઇમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. મનરેગા સાથે મહેસૂલમાં પણ કટકી થતી હોવાનો ભાંડો ફૂટ્યો છે. સ્થાનિક વ્યક્તિને ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો માટે સંતરામપુર પ્રાંત કચેરીમાં જવાનું થયું હતુ. સ્થાનિક વ્યક્તિ તેમના કાકા સાથે પ્રાંત કચેરીની એટીવીટી શાખાના રૂમ. 7 માં ગયા ત્યારે ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ મોહનભાઈ પટેલને મળ્યા હતા. આથી આ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષભાઇએ જણાવ્યું હતુ કે, ખેડૂત ખરાઇના પ્રમાણપત્રો માટે તમે રિઝવાનભાઈ સાથે વાત કરી લેજો. આથી સ્થાનિક વ્યક્તિએ આખરે રિઝવાનભાઇને ખેડૂત પ્રમાણપત્રો બાબતે પૂછતાં જણાવ્યું રિઝવાનભાઇએ કહ્યું કે, સાહેબ રૂ.90,000/- કહેતાં હતા પણ રૂ.70,000/- માં નક્કી કર્યું છે તો તમે રૂબરૂ પ્રમાણપત્ર લેવા આવો ત્યારે રૂ.70,000/- લેતાં આવજો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક વ્યક્તિ જાગૃત હોવાથી અને તેમનું કામ પણ કાયદેસર હોવાથી રૂ.70,000/- ની લાંચ આપવા ઇચ્છતા ના હોઇ પંચમહાલ એસીબીને ફરિયાદ આપી હતી. આથી ગોધરા ખાતેની એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી પ્રજાપતિની ટીમે ફરિયાદ આધારે બે રાજ્યસેવક પંચોને સાથે રાખી લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જેમાં એસીબીએ સીધી પ્રાંત કચેરીની એટીવીટી શાખાના કોમ્પ્યુટર ઓપરેટરના રૂમમાં રેડ કરી આરોપી શૈલેષભાઇને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂપિયા 70,000ની માંગણી કરતાં અને આ રકમ સ્વીકારતાં સ્થળ પર પકડી લીધાં હતા. હવે એસીબી માટે તપાસનો વિષય એ બન્યો કે, આરોપી રિઝવાન કયા સાહેબના કહેવાથી રૂપિયા 70,000ની માંગણી કરતો હતો ? શું કોમ્પ્યુટર ઓપરેટર સાહેબ બની બેઠો હતો કે પછી કચેરીના મુખ્ય અધિકારી એવા પ્રાંતની સુચના, દોરવણી, માર્ગદર્શન અથવા છૂપા આશીર્વાદ હતા ? તે તપાસનો વિષય બનવો જોઈએ.