બ્રેકીંગ@ગુજરાત: નર્મદાના પૂરથી પાકને નુકશાન બાદ હવે કૃષિ રાહત પેકેજની જાહેરાત, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનને પગલે આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.
તાજેતરમાં તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે.
આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.
આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.
આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે.
આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.