અપડેટ@સુરત: ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, કડક આદેશો કરવામાં આવ્યા
અટલ સમાચાર, ડેસ્ક
આગામી ઉત્તરાયણ પર્વને લઈ સુરત શહેરમાં પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને શહેરીજનોની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમીશ્નર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટીગાર્ડ વિનાના ટુ-વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ માટે 1500 હોમગાર્ડ, એક SRPની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજના છેડે બંદોબસ્તમાં તૈનાત રહેશે. જો કે તાપી નદી પર આવેલ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉત્તરાયણ પૂર્વે શહેરના કાપોદ્રા વિસ્તારમાં પતંગના કાતિલ દોરાના કારણે પરિવારની 22 વર્ષીય આશાસ્પદ યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈ તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પતંગના કાતિલ દોરાના કારણે અકસ્માતની ઘટના ન બને અને લોકોની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામાં કેટલાક કડક આદેશો કરવામાં આવ્યા છે.
સુરત એસીપી આઈ.એન.પરમારના જણાવ્યા અનુસાર, પોલીસ કમિશ્નર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં મુજબ શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પરથી આગામી તારીખ 14મી જાન્યુઆરીથી લઈ 15 મી જાન્યુઆરી સુધી સેફટીગાર્ડ વિનાના ટુ-વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા વાહન ચાલકોએ બ્રિજની નિચેના માર્ગનો અવરજવર કરવા ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે સેફટી ગાર્ડ લગાડેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સાથે બ્રિજના બંને છેડે સુરક્ષા બંદોબસ્ત માટે 1500 હોમગાર્ડ,1 SRPની ટુકડી તેમજ 100 જેટલા પોલીસ માણસો અલગથી ફાળવવામાં આવ્યા છે. શહેરના તાપી નદી પર આવેલ બ્રિજ પરથી તમામ વાહનો અવર-જવર કરી શકશે. ઉત્તરાયણ ના બે દિવસ દરમિયાન કારચાલકોને પણ એક કડક સૂચના આપવામાં આવી છે. જેમાં કારની ઉપર આવેલ સનરુફ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચાલકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ટુવ્હીલ વાહન ચલાવતી વખતે વાહનઆગળ સેફટી ગાર્ડ લગાવવું જરૂરી છે. ટુવ્હીલ વાહન ચલાવતી વખતે વાહનચાલક ગળાના ભાગે મફલર, સ્કાપ અથવા સેફટી બેલ્ટ સુરક્ષા માટે પહેરે તે હિતાવહ છે.